મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલું પૌરાણિક ગળતેશ્વર મહાદેવ

૭૬મા વન મહોત્સવની ઉજવણી ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારી માટે પ્રાર્થના કરી
મુખ્યમંત્રી પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળીને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા
૭૬મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં મહાદેવના પૂજા અર્ચન કરીને રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં મહિસાગર નદી અને ગળતી નદીના સંગમસ્થળે ગળતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ સ્થળ ખૂબ જ પૌરાણિક તેમજ આધ્યાત્મિક માનવામાં આવે છે. લોકદંતકથાઓ અનુસાર અહીં ભગવાન શિવે ગળામાં વિષ પીને નિલકંઠ સ્વરૂપ ધારણ કર્યું હતું, એટલે આ સ્થાનનું નામ ‘ગળતેશ્વર’ પડ્યું. ૧૨મી સદીનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે, જે મધ્ય ભારતની માળવા શૈલીમાં પરમાર સ્થાપત્યની અસર વગર અને ચૌલુક્ય (સોલંકી) સ્થાપત્યની અસર હેઠળ બંધાયેલું છે. તે ચોરસ ગર્ભગૃહ અને અષ્ટકોણીય મંડપ ધરાવે છે.
અહીં સ્થિત પ્રાચીન શિવલિંગ સ્વયંભૂ ગણાય છે અને તેનું વિશેષત્વ એ છે કે શિવલિંગ પર નદીનું જળ કુદરતી રીતે ઝરતું રહે છે. ભક્તો માનતા આવ્યા છે કે આ સ્થાન પર ભગવાન શિવની આરાધના કરવાથી દુ:ખ-કષ્ટો દૂર થાય છે અને મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મંદિરનું ગર્ભગૃહ મંડપ કરતા નીચું છે અને અંદરની બાજુથી ચોરસ છે. બહારની દીવાલ ગોળાકાર છે અને અનેક ખૂણાઓ સાથે ૨૪ ફીટનો વ્યાસ ધરાવે છે. આ ખૂણાઓમાં સાત ગોખલા છે જેમાં આઠ દિક્પાલો (દિશાના રક્ષક દેવો)પૈકી સાતની મૂર્તિઓ છે. ગર્ભગૃહની આગળની દિવાલ કોતરણી ધરાવે છે, જેમાં શિવના વિવિધ રૂપો દર્શાવેલ છે અને તે લગભગ નષ્ટ પામેલ છે. ગર્ભગૃહના દ્વાર પર આબુ શૈલીના રૂપસ્થંભની કોતરણી કરેલ છે. આ શિલ્પો અને કોતરણીઓમાં ગાંધર્વો, ઘોડેસ્વારો, હાથીસવારો, રથ, જીવનથી મૃત્યુની ઘટમાળો વગેરેનો સમાવેશ થાય છે.
ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રીશ્રીએ મંદિરની પરિક્રમા કરી હતી. તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યુ હતુ અને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા હતા.

આ તકે મુખ્યમંત્રીનીશ્રી સાથે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલના સાંસદ શ્રી રાજપાલ સિંહ જાદવ, ઠાસરાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, વન સંરક્ષક શ્રી મિતલબેન સાવંત અને શ્રી આનંદકુમાર અને અગ્રણી શ્રી નયનાબેન પટેલ સહભાગી બન્યા હતા.