Western Times News

Gujarati News

સયાજી હોસ્પિટલમાં મમતાની બેંક, જેમાં જમા થાય છે માતાના દૂધની અમૃત્ત થાપણ

SSG હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક દ્વારા નવજાત શિશુઓ માટે ચાલતો સેવાયજ્ઞ-મધર મિલ્ક બેન્કના માધ્યમથી નવજાત શિશુઓના આરોગ્યનું થઈ રહ્યું છે સંવર્ધન-માત્ર સાડા ત્રણ માસના ટૂંકાગાળામાં મધર મિલ્ક બેન્કને મળી રહેલી સફળતા-દાતા માતાઓની સંખ્યામાં થઈ રહેલો ઉત્તરોત્તર વધારો- માતાઓમાં દૂધ દાન કરવાનો દૂર થતો કચવાટ

વડોદરા: તરછોડાયેલા બાળક હોય, અમુક માતાઓને બાળકના જન્મ સમયે દૂધ ન આવવાની સમસ્યા રહેતી હોય, પ્રિમેચ્યોર ડીલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવું, તેમજ સંજોગોવસાત માતાના પહેલા નવજાત શિશુને હોસ્પિટલ લાવવામાં આવ્યુ હોય, માતા બિમાર હોય…..આવા દરેક કપરા સમયે બાળકના માતા-પિતા અને પરિવારજનો માટે વરદાનરૂપ અને નવજાત શિશુ માટે પ્રાણરક્ષક સાબિત થિઈ રહી છે

સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ ખાતે આવેલ મધર મિલ્ક બેન્ક. નવજાત શિશુને માતાના દૂધની તાતી જરૂરીયાતના સમયે આ મધર મિલ્ક બેન્ક દ્વારા દાતા માતાનું દૂધ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, ત્યારે એવુ લાગે છે કે, સયાજી હોસ્પિટલમાં માતાની બેંક ખુલી છે જેમાં મૂડીરૂપે માતાના દૂધની થાપણ જમા થાય છે અને તેનું વ્યાજ ધાવણથી વંચિત નવજાત શિશુઓને માતાના દૂધના રૂપમાં મળે છે.

મધર મિલ્ક બેન્ક પ્રારંભ થયાના માત્ર સાડા ત્રણ માસના ટૂંકાગાળામાં ધારી સફળતા મળી છે. તા. ૧૪ ઓક્ટોબર,૨૦૧૯થી તા.૨૮, જાન્યુઆરી,૨૦૨૦ સુધીમાં ૫૯૨ જેટલી માતાઓએ ઉત્સાહ સાથે ૬૪,૬૦૦ એમએલ (આશરે ૬૪ લીટર) દૂધ ડોનેટ કર્યું છે અને ૭૨૭ જેટલા બાળકોના આરોગ્યના સંવર્ધનમાં યોગદાન આપ્યું છે. આ ૭૨૭ બાળકોને ૫૦૫૬૨ (આશરે ૫૦ લીટર) દૂધ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, દેશના બેંગલુરૂ જેવા વિકસિત શહેરમાં માતાના ૧૦૦ એમએલની દૂધની બોટલ રૂા. ૪૦૦થી વધુની કિંમતે વેચાઈ રહ્યું છે.

એસએસજી હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્કના સંચાલિકા અને બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડો. શીલા અય્યર કહે છે કે, મિલ્ક બેંક શરૂ થયાના ટૂંકા સમયમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. દૂધ ડોનેટ કરતા સમયે માતાઓમાં રહેલો કચવાટ જેમ જેમ દૂર થતો જાય છે તેમ તેમ દૂધ દાન કરતી માતાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ ગુણકારી હોય છે. દૂધમાં કાર્બોહાઈટ્રેડ,  પ્રોટીન જેવા અનેક લાભદાયી તત્વો રહેલા હોય છે. તેમજ નવજાત શિશુને માતાનું દૂધ પચવામાં સરળ અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરનારૂ હોય છે. મધર મિલ્ક બેન્કના માધ્યમથી બાળમૃત્યુ દર ઘટાડવામાં અને ભોરિંગ સમી કુપોષણની સમસ્યાને નિવારવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી શકશે.

વધુમાં ડો. અય્યર ઉમેર્યું કે, સ્વસ્થ-તદુરસ્ત અને વધુ માત્રામાં ધાવણ હોય તે માતા પોતાનું દૂધ ડોનેટ કરી શકે છે. તેમજ દૂધ આપનાર માતા જરૂરી રિપોર્ટસ ઉપલબ્ધ ન હોય તો, જરૂરી તપાસ કરાવી માતાનું દૂધ લેવામાં આવે છે. તેમજ રાજ્ય સરકાર તરફથી આશરે રૂા. ર લાખના ખર્ચે ઈલેક્ટ્રીક બ્રેસ્ટ પંપ મળવાથી માતાઓને દૂધ ડોનેટ કરવામાં ખૂબ સરળતા થઈ ગઈ છે. ઉપરાંત ડોનેટેડ દૂધને યોગ્ય રીતે પ્રિઝર્વ કરવા માટે આશરે રૂ. ૧૭ લાખના અદ્યત્તન સાધનો પૂરા પાડવામાં આવ્યાં છે. દૂધને પાશ્ચૂરાઈઝડ કરીને દૂધને બેક્ટેરિયા મુક્ત કરવામાં આવે છે અને દૂધને નિશ્ચિંત તાપમાને ૬ મહિના સુધી સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.