ભરૂચમાં બુટલેગર નયન ઉર્ફે બોબડા કાયસ્થનું બિનઅધિકૃત બાંધકામ તોડાયું

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિ પૂજન સોસાયટીમાં રહેતા અને લિસ્ટેટ બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના મકાન ઉપર બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું.
માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં હાલમાં જ નવનિયુક્ત ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની સીધા માર્ગદર્શન હેઠળ લિસ્ટેટ બુટલેગર અને વિવિધ ગુનામાં પાસા હેઠળ હાલ જેલમાં રહેલ નયન કાયસ્થ ઉર્ફે બોબડો સામે ગુંડા એક્ટ ૨૦૨૫ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ભરૂચના ઝાડેશ્વર નેશનલ હાઈવે પર આવેલ રવિ પૂજન ખાતે આવેલ એએ ૪૬ નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.મંગળવારની સવારે બૌડા વિભાગના અધિકારીઓ,નાયબ મામલતદાર સહિત પોલીસ વિભાગની હાજરીમાં પાલિકાનું જેસીબી અને હથોડાથી ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથધરી હતી.
આ દરમ્યાન સ્થળ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક સી ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવા સાથે એલસીબી ની ટીમ પણ સ્થળ પર હાજર હતી.તોડવાની કામગીરીને કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ચર્ચા જાગી હતી. સરકારી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલા વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે ભવિષ્યમાં પણ નિરંકુશ કાર્યવાહી ચાલુ રહેશે.