Western Times News

Gujarati News

રાજ્યપાલો પાસેથી વાજબી સમયમાં બિલો અંગે નિર્ણયની અપેક્ષાઃ સુપ્રીમ

નવી દિલ્હી, રાજ્યોના બિલો અંગે રાજ્યપાલની સત્તા અંગેના પ્રેશિડેન્શિયલ રેફરન્સ અંગેની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે બંધારણની કલમ ૨૦૦માં ‘શક્ય તેટલી ઝડપ’થી શબ્દોનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તો પણ રાજ્યપાલો રાજ્યોના બિલ અંગે વાજબી સમયગાળામાં નિર્ણય કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

રાજ્યોના બિલો અંગે નિર્ણય કરવામાં કોર્ટ રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ માટે કોઇ સમયમર્યાદા લાદી શકે કે નહીં તે અંગેના રાષ્ટ્રપતિના રેફરન્સ અંગે મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આઠમા દિવસે સુનાવણી કરી હતી. ખંડપીઠે પુનરોચ્ચાર કર્યાે કે તે ફક્ત બંધારણનું અર્થઘટન કરશે અને વ્યક્તિગત કેસોના તથ્યોની ચકાસણી કરશે નહીં.

બંધારણ કલમ ૨૦૦ રાજ્ય વિધાનસભાએ પસાર કરેલા બિલો અંગે નિર્ણય કરવાની રાજ્યપાલની સત્તા સંબંધિત છે. આ સત્તા હેઠળ રાજ્યપાલ બિલોને સંમતિ આપે છે, તેને અટકાવી શકે છે, બિલને પુનર્વિચારણા માટે પરત કરી શકે છે અથવા બિલને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે.

પંજાબ સરકાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારે જણાવ્યું હતું કે બંધારણના ઘડવૈયાઓએ કલમ ૨૦૦માં ‘શક્ય તેટલી વહેલી તકે’ શબ્દો મૂક્યા છે અને બિલોને મંજૂરી આપવા માટે ત્રણ મહિનાનો સમય નક્કી કરવામાં કોર્ટ માટે કોઈ અવરોધ નથી.

ખંડપીઠે જણાવ્યું હતું કે જો ‘શક્ય તેટલી વહેલી તકે’ શબ્દ ન હોત તો પણ રાજ્યપાલ પાસેથી વાજબી સમયની અંદર કાર્યવાહી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.

કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે બંધારણીય યોજના હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો બંને કેન્દ્ર અને રાજ્યો બંનેમાં કેબિનેટની સલાહ પર કાર્ય કરવા માટે બંધાયેલા છે.

કલમ ૩૬૧ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને કોઈપણ ફોજદારી કાર્યવાહીથી મુક્તિ આપે છે, કારણ કે તેઓ કોઈ વહીવટી કાર્ય કરતાં હોતા નથી. પ્રેસિડન્ટ કે રાજ્યપાલ વ્યક્તિગત ક્ષમતાએ વહીવટી સત્તાનો ઉપયોગ કરી શકે નહીં. પ્રેસિડેન્શિયલ રેફરન્સ અંગેની સુનાવણી ૧૦ સપ્ટેમ્બરે પૂર્ણ થવાની શક્યતા છે. કોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઉઠાવેલા ૧૪ પ્રશ્નોની ચકાસણી કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.