દિશા ‘આવારાપન ૨’માં ઇમરાન હાશ્મી સાથે જોડી જમાવશે

મુંબઈ, ઇમરાન હાશ્મીની ‘આવારાપન’ ફિલ્મ તેના ગીતોને કારણે ઘણી વખણાઈ હતી. જેમાં ઇમરાન હાશ્મીએ એક ગેંગસ્ટરનો રોલ કર્યાે હતો. હવે તેની સિક્વલ પર પણ કામ શરૂ થઈ ચૂક્યું છે.
આવારાપનની જેમ, આ સિક્વલ પણ ઇમરાન હાશ્મી અને દિશા પટણી સાથેની એક ઇન્ટેન્સ લવસ્ટોરી છે, જેમાં ગેંગસ્ટર દુનિયાની વાત સાથે કર્ણપ્રિય સંગીત સાથે બની રહી છે. ૨૦૦૭માં, મોહિત સુરી અને ઇમરાન હાશ્મીએ મુકેશ ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ થયેલી ‘ગેંગસ્ટર’ આધારિત ફિલ્મ ‘આવારાપન’માં સાથે કામ કર્યું હતું.
જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી, છતાં ધીકે ધીરે આ ફિલ્મ સિનેમા રસિકોમાં એક કલ્ટ ફિલ્મ બની હતી. આ ફિલ્મનું સંગીત પણ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.
આજે આ ફિલ્મ મોહિત સુરીની ફિલ્મગ્રાફીની સૌથી દુઃખદ લવસ્ટોરીમાંની એક માનવામાં આવે છે. વર્ષાેથી મળેલા પ્રેમ અને પ્રશંસાને કારણે હવે ‘આવારાપન’ની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફરી વખત શિવમ પંડિત તરીકે ઇમરાન હાશ્મી જોવા મળશે. જોકે, આ ફિલ્મમાં મોહિત સુરીનું સ્થાન નીતિન કક્કડે લીધું છે.
હવે એવા અહેવાલો પણ છે કે, મુકેશ ભટ્ટ અને નીતિન કક્કડે ‘આવારાપન ૨’માં ઇમરાન હાશ્મી સાથે લીડ રોલ માટે દિશા પટણીને પસંદ કરી છે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર સ્ક્રિપ્ટ દિશા પટણી જેવી કોઈ એક્ટ્રેસને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, દિશાને પણ સ્ક્રિપ્ટ પહેલી જ વખતમાં ગમી ગઈ હતી. તેણે તરત જ આ ફિલ્મ માટે હા પાડી દીધી હતી.
સૂત્રએ આગળ જણાવ્યું કે ફિલ્મની ટીમ હાલમાં તેના સંગીત પર કામ કરી રહી છે અને આ વખત તેમનો ઇરાદો પહેલી ફિલ્મ જેવા જ યાદગાર ગીતો આપવાનો છે.
સાથે હાલ ઇન્ડસ્ટ્રીમાં એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં પણ પહેલાંની ફિલ્મના સંગીતની પણ કેટલીક ઝલક જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબરની શરૂઆતમાં શરૂ કરવાની ગણતરી છે, જ્યારે જાન્યુઆરી સુધીમાં શૂટિંગ પુરૂં કરવાની ગણતરી છે. આ ફિલ્મ ૨૦૨૬ના ઉનાળા વેકેશનમાં રિલીઝ થઈ શકે છે.SS1MS