Western Times News

Gujarati News

અદાણી પાવરને મધ્યપ્રદેશમાં 1600 મેગાવોટ ક્ષમતાનો થર્મલ પ્લાન્ટ લગાવવાનો ઓર્ડર મળ્યો

12 મહિનામાં અદાણી પાવરને કુલ 7,200 મેગાવોટ ક્ષમતાના ઓર્ડર મળ્યા છે. તેમાં મહારાષ્ટ્ર (6,600 મેગાવોટ સોલાર અને થર્મલ), ઉત્તર પ્રદેશ (1600 મેગાવોટ), બિહાર (2400 મેગાવોટ) અને મધ્યપ્રદેશ (હવે 1600 મેગાવોટ)ના ઓર્ડરનો સમાવેશ થાય છે.

અમદાવાદ, અદાણી પાવર લિમિટેડ (APL), જે દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની થર્મલ પાવર કંપની છે, તેને મધ્યપ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ (MPPMCL) તરફથી કુલ 1600 મેગાવોટ ક્ષમતાનો ઓર્ડર મળ્યો છે. તાજેતરમાં યોજાયેલી ટેન્ડર પ્રક્રિયા હેઠળ કંપનીને 800 મેગાવોટનો પ્રારંભિક ઓર્ડર મળ્યો હતો, જે બાદ હવે ગ્રીનશૂ ઑપ્શન હેઠળ વધારાના 800 મેગાવોટનો લેટર ઑફ અવોર્ડ (LoA) આપવામાં આવ્યો છે.

અદાણી પાવર મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં 1600 મેગાવોટ (800 મેગાવોટ × 2) ક્ષમતાવાળા અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપશે. આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન એન્ડ ઓપરેટ (DBFOO) મોડલ હેઠળ 60 મહિનામાં પૂર્ણ થશે. કંપની આ પ્રોજેક્ટ તથા સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અંદાજે રૂ. 21,000 કરોડનું રોકાણ કરશે.

કંપનીના CEO શ્રી એસ.બી. ખ્યાલિયાએ જણાવ્યું કે, “અદાણી પાવરને પ્રારંભિક 800 મેગાવોટ સાથે વધારાના 800 મેગાવોટનો ઓર્ડર મળવો અમારી પ્રતિબદ્ધતા સાબિત કરે છે કે અમે મધ્યપ્રદેશને વિશ્વસનીય, સસ્તી અને ટકાઉ વીજળી પૂરી પાડી શકીએ. આ પ્રોજેક્ટ રાજ્ય સાથેની અમારી લાંબા ગાળાની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.”

આ પ્રોજેક્ટ માટે કોયલાની સપ્લાય ભારત સરકારની SHAKTI પૉલિસી હેઠળ ફાળવવામાં આવી છે. નિર્માણકાળ દરમિયાન આ પ્રોજેક્ટથી 9,000–10,000 લોકોને સીધી અને આડકતરી રોજગારી મળશે, જ્યારે પ્રોજેક્ટ શરૂ થયા પછી આશરે 2,000 લોકોને રોજગાર મળશે. ટૂંક સમયમાં રાજ્યની ડિસ્કોમ સાથે પાવર સપ્લાય એગ્રીમેન્ટ (PSA) કરવામાં આવશે.

ગયા 12 મહિનામાં અદાણી પાવરને કુલ 7,200 મેગાવોટ ક્ષમતાના ઓર્ડર મળ્યા છે. તેમાં મહારાષ્ટ્ર (6,600 મેગાવોટ સોલાર અને થર્મલ), ઉત્તર પ્રદેશ (1600 મેગાવોટ), બિહાર (2400 મેગાવોટ) અને મધ્યપ્રદેશ (હવે 1600 મેગાવોટ)ના ઓર્ડરનો સમાવેશ થાય છે.

અદાણી પાવર હાલમાં 18.15 GW ક્ષમતા સાથે 12 થર્મલ પાવર પ્લાન્ટ ચલાવી રહી છે. કંપની 2031-32 સુધી કુલ 41.87 GW ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવે છે, જે ભારતના વધતા વીજ પુરવઠા માટેનું સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું રોકાણ કાર્યક્રમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.