નવરાત્રીના આયોજન સ્થળે ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ રાખવા ફરજિયાત

પ્રતિકાત્મક
નવરાત્રીના આયોજકો માટે AMCની નવી ગાઈડ લાઈન્સ
જાહેર સલામતી માટે ફાયર સેફટી માટે કઈ તકેદારી અને પગલાં લેવા તે અંગેની જાહેર નોટિસ, ફાયર સેફટી અંગેનું સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે, ઇવેન્ટ ચાલુ થવાના ત્રણ દિવસ પહેલા તેની ફાઈલ જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવાની રહેશે.
(એજન્સી)અમદાવાદ, નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના આયોજકો માટે ફાયર સેફ્ટી અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમો અનુસાર, કોઈપણ આયોજકે નવરાત્રીનું આયોજન કરતાં પહેલાં ફરજિયાતપણે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવું પડશે. આ નિર્ણય લોકોની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે.
નવી માર્ગદર્શિકા મુજબ, આયોજકોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ, ઇવેન્ટ શરૂ થવાના ત્રણ દિવસ પહેલાં તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવી પડશે. આ પ્રક્રિયાનું પાલન ન કરનાર આયોજકોને મંજૂરી આપવામાં આવશે નહીં.
એએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી એસઓપીમાં કેટલીક મહત્ત્વની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છેઃ
ઇમરજન્સી એક્ઝિટઃ આયોજન સ્થળે ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ (બહાર નીકળવાના રસ્તા) રાખવા ફરજિયાત છે.
સંકલિત મંજૂરીઃ આયોજકોએ માત્ર ફાયર સેફ્ટી જ નહીં, પરંતુ પોલીસ, ટ્રાફિક વિભાગ અને છસ્ઝ્રના અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે.
આ પગલાં અમદાવાદ જેવા મોટા શહેરમાં જ્યાં લાખો લોકો નવરાત્રીના આયોજનોમાં ભાગ લે છે, ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યંત જરૂરી છે. આયોજકોએ આ નિયમોનું ગંભીરતાથી પાલન કરવું જોઈએ.
આયોજકોને આ જાહેર નોટિસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર સલામતીને પ્રાથમિકતા આપે અને તમામ નિયમોનું પાલન કરે, જેથી નવરાત્રીનો તહેવાર સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવી શકાય.