Western Times News

Gujarati News

આદિવાસીઓના સમર્થનમાં કોંગ્રેસી ધારાસભ્ય આવ્યા છે

આદિવાસીના ખોટા પ્રમાણપત્રોને લઇને ગાંધીનગર ખાતે દેખાવ કરતા લોકોને ભાજપ સાંસદ વસાવાનું પણ સમર્થન
અમદાવાદ,  આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઇને નોકરી કરતા લોકોને દૂર કરી સાચા આદિવાસીઓને ન્યાય આપવા સાચા આદિવાસી બચાવો સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનને રાજ્યના આદિવાસીઓ નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. અગાઉ ખુદ ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી આંદોલનને સમર્થન આપ્યા બાદ હવે નાંદોદના કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવાએ આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતુ અને આંદોલનકારીઓ સાથે ધરણાં પર પણ બેસી ગયા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો બાબતે અમે વિધાનસભામાં રજૂઆતો કરી છે. પત્રો લખ્યા છે. પણ એક વાત નક્કી છે કે, જ્યાં સુધી સરકાર પર દબાણ નહીં લાવો, ત્યાં સુધી સરકાર આપણું સાંભળવાની નથી. આદિવાસી યુવાનો ગામડે ગામડે જાય અને જાગૃત કરી મોટી સંખ્યામાં આ આંદોલનમાં જોડાશે તો એનો પડઘો વધારે પડશે. જેલમાં જવુ પડશે તો જઈશું. લાકડીઓ પણ ખાઇશું પણ આદિવાસીઓના હક બાબતે સરકાર સામે ઝુકીશુ નહીં.

પી.ડી. વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, નવનિર્માણના આંદોલનમાં મેં પણ ઘણી લાકડીઓ ખાધી છે. જા કે, તે સમયની અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો ફેર છે, એ સમયે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું અત્યારે વધુ છે. અત્યારે આદિવાસીઓમાં ભાગલા પાડવાવાળા ઘણા લોકો છે. આપણે એનાથી સજાગ રહેવાનું છે. આંદોલનમાં ભાજપના લોકોનું સમર્થન છે તો એનું પરિણામ જલ્દી મળશે, હાલની સ્થિતિ એવી છે કે, આદિવાસીઓ માટે ફાળવતી ગ્રાન્ટનો પુરેપુરો ઉપયોગ થતો જ નથી.

મારા વિસ્તારમાં નર્મદા ડેમ અસરગ્રસ્તોને નોકરી અને બીજી અન્ય સગવડો સરકારે હજુ પણ પૂરી પાડી નથી. આ પહેલા કેન્દ્ર સરકારના પૂર્વ આદિજાતિ મંત્રી અને ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ આંદોલનને પોતાનું ખુલ્લું સમર્થન પણ જાહેર કર્યું હતું, અધિકારીઓના નામે એમણે સરકાર સામે તલવાર તાણી છે. તેમ છતાં સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. આમ, આદિવાસીઓનું આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતુ જાય છે, જેના ઘેરા પ્રત્યાઘાત આગામી દિવસોમાં સામે આવવાની શકયતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.