Western Times News

Gujarati News

નવમાં નોરતે મળ્યું ગુપ્તદાન: 216માં અંગદાનમાં એક લીવર, બે કિડનીનું દાન સિવિલમાં મળ્યું

નવરાત્રીમાં ગુજરાતીઓ રાત્રે ગરબે ઘૂમી રહ્યાં હતા અને સિવિલ હોસ્પિટલના તબીબો નવજીવન આપવા ફરજરત રહ્યાં

નવરાત્રીના નવ દિવસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3 અંગદાન થકી 15 જરૂરિયાતમંદોને નવજીવન

નવરાત્રીમાં પવિત્ર દિવસોમાં પણ દાનવીરો દ્વારા અંગદાનની સરવાણી વહેતી રહી – ડૉ.રાકેશ જોષી, મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

નવરાત્રીના પવિત્ર દિવસોમાં જ્યારે આખુંય ગુજરાત માતાજીની ભક્તિમાં ભક્તિમય હતું અને રાત્રે ગુજરાતીઓ ગરબે ઘુમી રહ્યાં હતા ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો સતત ફરજરત રહીને અંગદાન થકી જીવનદાન આપી રહ્યા હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 9 દિવસમાં કુલ ત્રણ અંગદાન થયા. અને આ ત્રણ અંગદાનમાં 15 અંગો મળ્યા. જેમાં 11 અંગો અને 4 આંખોનું દાન મળ્યું છે. જેમાં 6 કિડની, 3 લીવર, 1 સ્વાદુપિંડ, એક હ્રદય અને ચાર આંખોના દાનનો સમાવેશ થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 9 માં નોરતે થયેલ ૨૧૬ માં અંગદાન ની વિગતો જોઇએ તો , સિવિલના ICUમાં દાખલ ૪૬ વર્ષીય મહીલા સારવાર દરમિયાન તા. ૩૦.૦૯.૨૦૨૫ ના રોજ બ્રેઈનડેડ જાહેર થયા.

બ્રેઇન ડેડ જાહેર થયા બાદ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. ભાવેશ પ્રજાપતિ અને ડૉ. નિમેશ દેસાઇ દ્વારા દર્દીના  સગાઓને અંગદાનના મહત્વ વિશે સમજાવતા પરિવારજનોએ અંગદાનની સંમતિ આપી હતી.

આ ગુપ્તદાન રૂપે થયેલ અંગદાનમાં 2 કીડની, 1 લીવર ને  સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમ ડો. જોષી એ જણાવ્યુ હતુ.

સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૧૬ અંગદાન થકી કુલ ૭૧૬ અંગોનું દાન મળ્યું છે. આમ જોઇ એ તો ૧૫૪  ચક્ષુ તેમજ ૨૪ ચામડી મળી કુલ ૧૭૮ પેશી ઓ સાથે કુલ ૮૯૪ અંગો તેમજ પેશીઓ નુ દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજદીનસુધી મેળવવામાં આવ્યુ છે તેમ ડો.જોષી એ વધુ માં જણાવ્યુ હતુ.

આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૯૧ લીવર, ૩૯૬ કીડની, ૧૮ સ્વાદુપિંડ, ૬૯ હૃદય,૬ હાથ, ૩૪ ફેફસાં, ૨ નાનાં આંતરડાં, ૧૫૪ ચક્ષુ તથા ૨૪ ચામડીનું દાન મળ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.