ફાસ્ટફૂડ શોપની બહાર મોડી રાત્રે ગ્રાહકોના વાહનોના ભયંકર દબાણથી રોડ જામઃ હાઈકોર્ટ

અમદાવાદ, બિસ્માર રોડ-રસ્તા, ટ્રાફિક-પાર્કિંગ અને દબાણના મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે,‘રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને કારની કાચ પર બ્લેક ફિલ્મ હજુ પણ જોવા મળે છે.
ફાસ્ટફૂડ શોપની બહાર મોડી રાત્રે ગ્રાહકોના વાહનોનો ભયંકર દબાણથી રોડ જામ થઇ જાય છે. ઓથોરિટી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એના ભાગરૂપે લોકોના મનમાં ભય વધ્યો છે. પરંતુ જો એકવાર ઓથોરિટી એની ઝુંબેશ અટકાવી દેશે તો પરિસ્થિતિ ‘જૈસે થે’ જેવી થઇ જશે. એટલે ઓથોરિટીએ વર્ષ કે બે વર્ષ સુધી આકરી કાર્યવાહી ચાલુ રાખવી જોઇએ.
જેથી લોકોમાં ભયના કારણે પણ ટ્રાફિકના નિયમોનો અમલ કરવાની ટેવ પડી જાય. પેટ્રોલ પંપ અને ડિવાઇડર્સની નજીકથી સૌથી વધુ રોંગ સાઇડ ડ્રાઇવિંગની બદી જોવા મળે છે.’અરજદાર તરફથી એડવોકેટ અમિત પંચાલે દલીલ કરી હતી કે,‘સાત વર્ષથી અરજદાર કોર્ટને તમામ હકીકત જણાવી રહી છે. આજની તારીખે પણ અમદાવાદના ફૂટપાથો પર લારી-ગલ્લાનું દબાણ જોવા મળે છે.
આ દબાણો ન થાય એ સુનિશ્ચિત કરવા આવા સ્થળોએ એક વાન રાખવી જોઇએ.’ સુનાવણી દરમિયાન ઓથોરિટીએ નવરાત્રિના દિવસોમાં લીધેલા પગલાંનો રિપોર્ટ આપ્યો હતો. દરમિયાન ખંડપીઠે ટકોર કરી હતી કે,‘ફાસ્ટફૂડ શોપની બહાર મોડી રાત્રે પણ ગ્રાહકોના વાહનોનો ભયંકર દબાણ જોવા મળે છે. જેના પગલે રોડનો એક ભાગ વાહનોથી જામ થઇ જાય છે.
અમે અગાઉ પણ સૂચન કર્યું હતું કે આ ફૂડ શોપની બહાર ગેરકાયદેસર પાર્કિંગ હોય છે. લીગલ સર્વિસ ઓથોરિટીનો અગાઉ રિપોર્ટમાં અનેક જ્વલંત મુદ્દા સામે આવ્યા હતા. હાલ પણ આ તમામ મુદ્દા જીવંત છે. તેથી ઓથોરિટીએ નિયમિત રીતે કંઇ કરવું પડશે, પાર્કિંગ માટે ચાર્જ લો અથવા જે યોગ્ય લાગે તે કરવું જોઇએ. જેથી ટ્રાફિકનો ફ્લો ડિસ્ટર્બ ન થાય.
કેમ કે જે ગ્રાહકો ફૂડ શોપ્સ, ઇટરીઝમાં ખાવા-પીવા માટે આવે છે તેઓ દુકાનોની બહાર જ વાહનો પાર્ક કરે છે. જેના લીધે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાય છે.’ સરકારી વકીલે જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન ૬૦૦થી વધુ ટ્રાફિક જવાનોને અમદાવાદ શહેરના રોડ ઉપર ટ્રાફિક મેનેજમેન્ટ માટે રાખવામાં આવ્યા છે.
સવારે આઠથી રાતના નવ વાગ્યા સુધી જે ટ્રાફિક પોલીસ જવાનો રોડ ઉપર ટ્રાફિક મેનેજ કરે છે. તદુપરાંત આ જવાનો નવરાત્રિ દરમિયાન રાત્રિના આઠથી ત્રણ વાગ્યા સુધી ટ્રાફિક મેનેજ કરે છે. જ્યાં ગરબાના વધુ આયોજનો છે તેવા સિંધુભવન રોડ અને ભાડજ પાસે જ લોકોએ વધુમાં વધુ પાંચથી સાત મિનિટ ટ્રાફિકમાં ઊભા રહેવું પડ્યું હતું.SS1MS