ભારત વિમેન્સે પાકિસ્તાનને ૮૮ રને કચડ્યું, સળંગ બીજો વિજય

કોલંબો, મહિલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ૮૮ રને કચડીને ભારતે ટુર્નામેન્ટ સળંગ બીજો વિજય મેળવ્યો હતો. રવિવારે કોલંબો ખાતે રમાયેલી પાકિસ્તાન સામેની લીગ મેચમાં ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૨૪૭ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ પ્લેયર ઓફ ધ ક્રાંતિ ગૌડની ત્રણ વિકેટની મદદથી પાકિસ્તાનની ટીમ ૪૩ ઓવરમાં ૧૫૯ રનમાં ખખડતાં ભારતનો આસાન વિજય થયો હતો.
પાકિસ્તાને શરૂઆતમાં વહેલી વિકેટ ગુમાવી હતી પરંતુ બાદમાં સિદરા અમિને ૧૦૬ બોલમાં એક છગ્ગો અને નવ ચોગ્ગા સાથે ૮૧ રનની લડાયક ઈનિંગ્સ રમીને મેચમાં પાકિસ્તાનને વાપસી માટેની આશા જગાવી હતી પરંતુ ભારતીય બોલર્સે તેના પર પાણી ફેરવી દીધું હતું.
પાકિસ્તાને ૨૬ રનમાં પ્રારંભિક ત્રણ વિકેટ ગુમાવતા તે દબાણ હેઠળ આવ્યું હતું. નતાલિયા (૩૩)એ સિદરાનો સાથ આપતાં બંને વચ્ચે ચોથી વિકેટ માટે ૬૯ રનની ભાગીદારી થઈ હતી. બીજા છેડે વિકેટ પડવાનો ક્રમ યથાવત રહેતા પાકિસ્તાન ૧૫૯ રનમાં સમેટાયું હતું.
પાક. અગાઉ બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ હારતાં આ તેનો બીજો પરાજય રહ્યો છે. ભારતીય ટીમ હવે આગામી મુકાબલો ૯ ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આળિકા સામે રમશે. અગાઉ ટોસમાં ગૂંચવણ વચ્ચે ભારતીય મહિલા ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું.
પ્રતિકા રાવલ (૩૧) અને સ્મૃતિ મંધાના (૨૩)એ સકારાત્મક શરૂઆત અપાવી હતી. બંને બેટર સેટ થઈને મક્કમ રમતનું પ્રદર્શન કરી રહી હતી ત્યારે જ પાકિસ્તાનની સુકાની ફાતિમા સનાએ નવમી ઓવરના અંતિમ બોલ પર મંધાનાને લેગબીફોર માટે અપીલ કરી હતી.
અમ્પાયરે આઉટ આપ્યા બાદ મંધાનાએ રિવ્યુ લેવાનું પસંદ કર્યું જે તેની વિરુદ્ધ રહેતા ભારતને પ્રથમ ઝાટકો લાગ્યો હતો. હરલીન દેઓલે ૬૨ બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૪૬ રનની ઈનિંગ્સ રમીને ભારતન સ્થિરતા અપાવી હતી. જેમિમાહ રોડ્રિગ્ઝનું ૩૨ રનનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ભારતીય મહિલા ટીમે સમાયંતરે વિકેટ ગુમાવતા ૨૦૩ રન પર સાત વિકેટ ગુમાવી હતી.
એક તબક્કે ભારત ૨૫૦ની અંદર ઓલઆઉટ થશે તેવી અપેક્ષા હતી. વિકેટકીપર બેટર રિચા ઘોષે ૨૦ બોલમાં બે છગ્ગા અને ત્રણ ફોર સાથે અણનમ ૩૫ રનની લડાયક ઈનિંગ્સ રમીને ભારતનો સ્કોર નિર્ધારિત ઓવરમાં ૨૪૭ સુધી પહોંચાડ્યો હતો.
પાકિસ્તાનની બોલર ડાયેના બૈગે અંતિમ ઓવરમાં પાંચમાં બોલ પર ક્રાંતિ ગૌડ (૨૪) અને છઠ્ઠા બોલ પર રેણુકા સિંહ (શૂન્ય)ની વિકેટ ઝડપતાં તેની કુલ ચાર વિકેટ થઈ હતી. સાદિયા ઈકબાલ અને ફાતિમા સનાએ બે વિકેટ ઝડપી હતી જ્યારે રામીન અને નાશરાએ એક-એક વિકેટ મેળવી હતી.SS1MS