Western Times News

Gujarati News

ઉત્તર ગુજરાતની VGRCમાં જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ સહિતના વૈશ્વિક દેશોની ભાગીદારી

AI Image

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણામાં VGRCનું ઉદ્ઘાટન,  ઉત્તર ગુજરાતમાં વૈશ્વિક વ્યાપાર અને ઉદ્યોગસાહસિકતાનો ઉત્સાહ ઉજાગર થશે

ક્ષેત્રીય આકાંક્ષાઓ અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓનું પ્રેરણાદાયક મંચ બનશે VGRC ઉત્તર ગુજરાત

ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. આ આયોજન ઉત્તર ગુજરાતની ‘વિકસિત ગુજરાત-વિકસિત ભારત @2047’ની યાત્રામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ ભવ્ય સંમેલનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ; ઇસરોના ચેરમેન ડૉ. વી. નારાયણન અને ભારતીય વાયુ સેનામાં ગ્રુપ કેપ્ટન અને ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી શ્રી શુભાંશુ શુક્લા પણ ઉપસ્થિત રહેશે.

ઉદ્ઘાટન સમારોહ પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવો VGRC પ્રદર્શનની મુલાકાત લેશે, જ્યાં વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને ટકાઉ આર્થિક વિકાસના વિઝનને આગળ વધારવા માટે ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, MSMEs, સ્ટાર્ટઅપ્સ, વિદેશી ખરીદદારો, મોટી કંપનીઓ, સરકારી વિભાગો, PSUs અને વૈશ્વિક ભાગીદારોને એકસાથે લાવશે.

ઉત્તર ગુજરાત VGRCમાં આંતરરાષ્ટ્રીય સહભાગિતા પણ વ્યાપક રીતે જોવા મળશે, જેમાં ભાગીદાર દેશોમાં જાપાન, દક્ષિણ કોરિયા અને વિયેતનામ સામેલ છે. કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત વિશેષ સેમિનારો માટે નેધરલેન્ડ પણ એક ભાગીદાર દેશ તરીકે જોડાશે. આ આયોજનમાં વિશ્વ બેન્ક, જાપાન એક્સ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO),  રશિયન સંઘનું વ્યાપાર પ્રતિનિધિમંડળ, ઇન્ડો-કેનેડિયન બિઝનેસ ચૅમ્બર (ICBC) અને યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની ભાગીદારી રહેશે.

લગભગ 18 હજાર વર્ગ મીટરના વિશાળ પ્રદર્શન ક્ષેત્રમાં ટ્રેડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા તેમજ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા 400થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. તે સિવાય ટોરેન્ટ, વેલ્સ્પન, NHPC, NTPC, કોસોલ, સુઝલોન, અવાડા, નિરમા, INOX, અદાણી, મારુતિ સુઝુકી, પાવરગ્રીડ કૉર્પોરેશન લિમિટેડ અને ONGC જેવી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ પણ જોડાશે.

ઉભરતી તકો અને ટકાઉ નવીનતાઓને પ્રકાશિત કરવા માટે, આ કાર્યક્રમમાં જાહેર ક્ષેત્રના એકમો, MSMEs, કુટીર ઉદ્યોગો અને ગ્રામીણ સ્ટાર્ટઅપ્સ સહિત કૃષિ-ટેક, ગ્રીન એનર્જી અને ફૂડ-ટેક માટે વિશેષ પેવેલિયન સ્થાપિત કરવામાં આવશે, જે ભારતની ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમનું વૈવિધ્યસભર પ્રદર્શન કરશે.

ભારતની વધી રહેલી આંતરરાષ્ટ્રીય ભાગીદારીને ધ્યાનમાં રાખીને આ સમારોહમાં જાપાન, દક્ષિણ કોરિયા અને વિયેતનામ માટે વિશેષ આંતરરાષ્ટ્રીય પેવેલિયનોની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જે દ્વિપક્ષીય વ્યાપાર, રોકાણ ભાગીદારી અને ટેક્નોલોજીના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપશે.

પ્રદર્શનના ભાગરૂપે, દૂધસાગર ડેરી, ONGC, વેસ્ટર્ન રેલ્વે અને મકેન ફૂડ્સ જેવી સંસ્થાઓ સાથે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP)નું આયોજન કરવામાં આવશે, જેનો હેતુ ઉદ્યોગ જોડાણોને મજબૂત બનાવવા અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

વધુમાં, રિવર્સ બાયર-સેલર મીટમાં (RBSM) 17 દેશોના 34 આંતરરાષ્ટ્રીય ખરીદદારોને ભાગ લેશે, જેનાથી વેપાર અને વ્યવસાયની તકોને પ્રોત્સાહન મળશે. આ દરમિયાન ખરીદદારો અને સ્થાનિક વિક્રેતાઓ વચ્ચે નિકાસને પ્રોત્સાહન આપવા માટે 500થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉદ્યોગસાહસિકો, માર્ગદર્શકો અને સંસ્થાઓને મહત્વપૂર્ણ નેટવર્કિંગ તકો પૂરી પાડવા માટે ઉદ્યમી મેળાનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને વિવિધ સરકારી યોજનાઓ, નીતિઓ અને પહેલો વિશે જાગરૂક કરવાનો તેમજ  નવીનતા, ઉદ્યોગ વિકાસ અને ગુજરાતના ઝડપથી વિકસિત થઇ રહેલા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.

આ અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે  પરંપરાગત ક્ષેત્રીય વ્યંજનો અને મિલેટ આધારિત વાનગીઓ ધરાવતા ફૂડ કોર્ટમાં ઉત્તર ગુજરાતના સમૃદ્ધ પાક વારસાને પ્રદર્શિત કરવામાં આવશે. આ પહેલ ભારતની શ્રી અન્ન (બાજરી) ને સ્વસ્થ જીવન અને ટકાઉ ખેતીના પ્રતીક તરીકે લોકપ્રિય બનાવવાની વૈશ્વિક પહેલ સાથે સુસંગત રહેશે.

‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ની ભાવના સાથે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સ્થાનિક ઉદ્યોગસાહસિકતા, ગ્રામ્ય સ્તરે નવીનતા અને સામુદાયિક વિકાસની શક્તિનો ઉત્સવ મનાવશે. આ આયોજન ક્ષેત્રીય સશક્તિકરણ, વૈશ્વિક સહયોગ અને ટકાઉ પ્રગતિને નવી ઊર્જા આપશે જેનાથી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં વધુ મજબૂતી આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.