Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. શાસક પક્ષનું “પ્રાયશ્ચિત” બજેટ !

File

ભૂતકાળમાં કરેલ વાયદા પૂર્ણ કરવાની નવા બજેટમાં જાહેરાત

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે સ્ટેન્ડીંગ કમીટી દ્વારા રૂ.૯૬૮પ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મ્યુનિ.કમીશ્નર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફટ અંદાજપત્રમાં શાસકપક્ષે રૂ.૭૭૭ કરોડના સુધારા કર્યા છે. જયારે મિલકતવેરા વધારાની દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે. ચુંટણી વર્ષ હોવાથી શાસકપક્ષે મોટા વાયદા-વચનોથી દુર રહેવાનું મુનાસિબ માન્યું છે.

તદ્દઉપરાંત કમીશ્નરે તેમના ડ્રાફટ બજેટમાં જે વચનો આપ્યા છે તે પૂર્ણ કરવા મુશ્કેલ છે તે બાબત પણ સતાધારી પાર્ટી સમજી ચુકી છે. જેના કારણે ચુંટણી વર્ષમાં ફુલગુલાબી અંદાજપત્ર આપવામાં આવ્યું નથી. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન આ મામલે વધુ રક્ષણાત્મક થયા હોવાથી મતદારોને આકર્ષી શકે તેવા કોઈ મુદ્દા પણ નથી.

તેના કારણે સ્ટેન્ડીંગ કમીટીના સુધારા બજેટમાં પાછલા વર્ષોમાં થઈ ન શકેલા કામો નો જ સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લોકો કટાક્ષમાં “ફીર તેરી કહાની યાદ આયી” કે “ભૂલે બિસરે ગીત” કહી રહયા છે. જયારે વિપક્ષ કોગ્રેસે પણ બજેટને “દાવા સ્વપ્ન” તરીકે જાહેર કર્યું છે.

સ્માર્ટસીટી અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લી ત્રણ ટર્મથી શાસન કરનાર ભારતીય જનતા પાર્ટીએ ચુંટણી વર્ષમાં બજેટ સ્વરૂપે પ્રાયશ્ચિત કર્યું હોય તેમ લાગી રહયું છે. મ્યુનિ.કમીશ્નરે તેમના “જમ્બો” ડ્રાફટ અંદાજપત્રમાં સુધારા કરવા કશુ જ બાકી રાખ્યું ન હતું. જેના કારણે સ્ટેન્ડીંગ કમીટીએ પાછલા વર્ષમાં ન થઈ શકેલા કામોને આગામી વર્ષમાં પુરા કરવાની પ્રાયશ્ચિત સ્વરૂપે જાહેરાત કરી છે.

સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ર૦૧૯-ર૦ માં રાણીપ ખાતે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા જાહેરાત કરવામાં આવી હતી જે પૂર્ણ થઈ નથી. તેમ છતાં નવા બજેટમાંવધુ ત્રણ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેવી જ રીતે ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ સમયે ત્રણ દરવાજા સુધી “સ્કવેર સીટી” ડેવલપમ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સદ્દર પ્રોજેકટમાં થયેલ ગેરરીતિઓ અને ફેરીયાઓના દબાણના કારણે તેનું કામ થઈ શકયું નહતું જે હવે પૂર્ણ કરવા માટે વચન આપવામાં આવ્યું છે.મ્યુનિ.શાસકપક્ષ ને વધુ એક વખત ચંડોળા અને શાસ્ત્રી તળવાની યાદ આવી છે.

છેલ્લા ૧૩ વર્ષમાં લગભગ દસ વખત આ બંને તળાવ ડેવલપ કરવા માટે જાહેરાતો થઈ ચુકી છે. રાજય સરકારે પણ ચંડોળા તળાવ ડેવલપ કરવા જાહેરાત કરી હતી. સ્ટેન્ડીંગ કમીટીએ વધુ એક વખત ચંડોળા તળાવ માટે લાગણી દર્શાવી મનપા અને રાજય સરકાર વતી પ્રાયશ્ચિત કર્યું છે.

સાબરમતી નદી શુધ્ધિકરણ માટે કમીશ્નરે ચાર મહીનાના જે દાવા કર્યા હતા તે પોકળ સાબિત થયા છે. તેથી નદી શુધ્ધિકરણની જવાબદારી “રીવરફ્રન્ટ લીમીટેડ” ને સોપવામાં આવી છે. તેમજ તેના માટે ટેસ્ટીંગ પણ શરૂ થઈ ગયા છે.  તેમ છતાં સ્ટેન્ડીંગ ચેરમેને કમીશ્નર વતી પ્રાયશ્ચિત કરીને શુધ્ધિકરણ માટે બજેટની ફાળવણી કરી છે. શહેરના કાંકરીયા અને નવરંગપુરા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ ઓટોમેટીક મોડયુસર પે એન્ડ પાર્ક ધુળ ખાઈ રહયા હોવા છતાં વધુ એક પાર્કીગ બનાવવા માટે રૂ.ર૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

શહેરમાં જનમાર્ગ પ્રોજેકટ માટે ડીઝાઈન શરૂ કરવામાં આવી તે સમયથી ફ્રૂટ ઓવરબ્રીજ માટે જાહેરાતો થતી રહી છે. પરંતુ તેનો અમલ થયો નથી. તેથી વધુ એક વખત પ્રાયશ્ચિત સ્વરૂપે ફ્રૂટ ઓવર બ્રીજ તૈયાર કરવા માટે વચન આપવામાં આવ્યું છે.પીરાણા ડમ્પ સાઈટના નિકાલ માટે છેલ્લ એક દાયકાથી ડીઝાઈન તૈયાર થઈ રહી છે.

મ્યુનિ.કમીશ્નરે માત્ર બે વર્ષમાં જ ડમ્પ સાઈટ કલીયર કરવાના વાયદા સાથે ટ્રો-મીલ મીશન પણ લગાવ્યા છે. પરંતુ ડમ્પ સાઈટ બે વર્ષમાં કલીયર થાય તેમ ચેરમેન પણ માની રહયા નથી. તેથી તેના માટે પણ રકમ ફાળવી છે. જેને કમીશ્નરના ખોટા વાયદાના પ્રાયશ્ચિત સ્વરૂપે જાવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશને ચાર-પાંચ વર્ષ પહેલા વોટર અને ડ્રેનેજ સ્કાડા કામ કર્યા છે.

જે પૈકી વોટર સ્કાડા ના ડેટા દૈનિક ધોરણે સંલગ્ન વિભાગ ને મળી રહયા છે. તેમ છતાં વોટર સ્કાડા માટે પણ ખર્ચ કરવા માટે જાહેરાત થઈ છે. શહેરની સડકો પર હાલ એમટીએસની ૭પ૦ અને જનમાર્ગ ની રપ૦ બસો દોડી રહી છે. ર૦ર૦-ર૧ માં એમટીએસમાં નવી ૧૦૦ તથા જનમાર્ગમાં ૬૦૦ બસ આવશે. તેમ છતાં શાસકપક્ષે નવી ૩૦૦ બસ માટે જાહેરાત કરી છે. મતલબ કે, આગામી વર્ષમાં અમદાવાદ શહેરમાં કુલ ૧૯પ૦ બસ દોડશે. મ્યુનિ.કોગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માએ બજેટ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા  વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષમાં હેરીટેજના નામે લાખો રૂપિયા ની ફાળવણી કરવામાં આવી હતી

જેમાં હેરીટેજ ટુરીસ્ટ પ્લાનની પણ જાહેરાત કરવામાં આવી હતી જેનો અમલ થયો નથી તેમ છતાં નવા નામથી વધુ રૂ.એક કરોડ ફાળવવામાં આવ્યા છે. ઔડા એ શહેર ફરતે ૦૬ ટ્રાન્સપોર્ટ હબની જાહેરાત કરી હતી. જેનો તેના સીટી ડેવલપમેન્ટ પ્લાનમાં પણ ઉલ્લેખ છે તેમ છતાં નવા ટ્રાન્સપોર્ટ હબની જાહેરાતો કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા જ સાબરમતી નદીને અશુધ્ધ કરવામાં આવી રહી છે.


હવે, શુધ્ધિકરણની વાતો થઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેનિસ કોર્ટ, સ્વીમીંગપુલ, જીમ્નેશીયમ, લાયબ્રેરી, કોમ્યુનીટી હોલ, ઓડીટોરીયમ અને બગીચાનું પણ ખાનગીકરણ થઈ રહયું છે.જે અત્યંત શરમજનક બાબત છે જેનો કોગ્રેસ પક્ષ વિરોધ કરે છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. જેનો અમલ થયો નથી.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશોનું બજેટ દિશાહીન છે. શહેરની એકપણ પ્રાથમીક સમસ્યાના ઉકેલનો નકકર રોડમેપ બજેટમાં દેખાતો નથી.જુના કામોને નવા નામો આપીને ફરી બજેટ બુકમાં સ્થાન આપવામાં આવી રહયું છે. શહેરમાં નવા રોડ બની રહયાં છે. રોડ નેટવર્ક વધારવા માટે જાગવાઈ નથી.શહેરમાં ્‌ડ્રેનેજ નેટવર્કકે સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક વધારવાની જાગવાઈ નથી.

શહેરમાં રર હજાર ખાળકુવા મુકત કરવાનું આયોજન નથી. શહેરમાં પ્રદુષીત પાણીની સમસ્યા ઉકેલવા માટે જુની પીવાના પાણીની લાઈનો બદલવા માટે નકકર આયોજન નથી. શહેરમાં ફુટપાથ, ટ્રાફિક સર્કલ, સેન્ટ્રલ વર્જ,ડિવાઈડરની એકરૂપતા માટે કોઈ પોલીસી નથી. વોટર પોલીસી, પાર્કિગ પોલીસી કે પછી સ્ટ્રીટ વેન્ડર એકટના અમલ માટે કોઈ જાગવાઈ કરાઈ નથી. શહેરમાં સ્ટ્રીટ વેન્ડરને હટાવવા નવા માર્કેટ ઉભા કરવા માટે કોઈ જાગવાઈ નથી. શહેરમાં નવા વિસ્તારોમાં નવા રોડ ખુલે ત્યાં નેટવર્ક નાંખવા, સ્ટ્રીટ લાઈટો ફીટ કરવા માટે કોઈ જાગવાઈ દેખાતી નથી.

શહેરમાં ધડાધડ બહુમાળી ઈમારતોને મંજુરી અપાઈ રહી છે. પણ રર માળની ઉંચી ઈમારતો માટે રોડ, પાણી અને ગટરના નેટવર્કને અપગ્રેડ કરવા માટેની કોઈ જાગવાઈ નથી. શહેરના રહેણાંક વિસ્તારોમાં વધી રહેલા કોર્મશીયલાઈઝેશન રોકવા માટેની જાગવાઈ નથી.
ભાજપના સત્તાધીશોએ મુકેલું બજેટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નીવડશે. દિશાહીન અને માત્ર આંકડાની માયાજાળરૂપી બજેટને બદલે વાસ્તવીકતાથી સમજીને બજેટ બનાવવામાં આવ્યું હોત તો નાગરીકોને ફાયદો કરાવી શકાયો હોત.આ બજેટમાં આવકના આંકડા જ કાલ્પનીક છે તો વિકાસના કામો પણ કલ્પના બની જશે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.