ઓનલાઈન નકલી કંપનીઓ બનાવી દિલ્હીના ઠગે મોરબીના વેપારી સાથે 1.72 કરોડની ઠગાઈ કરી

રાજકોટ, મોરબીના કોકોપીટ ઉત્પાદન કરતા વેપારી દેવેન્દ્રભાઈ નરસિંહભાઈ દેત્રોજા (એવિયર ઈમ્પેક્સ) પાસેથી વિદેશમાં કોકોપીટનો વેપાર કરાવવાના બહાને ઓનલાઈન રૂ. ૧,૭૨,૮૮,૪૦૦/- ની ઠગાઈ થઈ હતી.
ગુગલ પર નકલી કંપનીઓ બનાવી વિદેશમાં એક્સપોર્ટ કરવાની લાલચ આપી ફસાવતી આ સાયબર ક્રાઈમ ગેંગના એક સભ્યને મોરબી સાયબર ક્રાઈમ ટીમે દિલ્હીમાંથી પકડી પાડયો છે. ફરિયાદ મુજબ, વેપારી ફ્રેન્ડ ફન્ડામેન્ટલ પ્રા.લી. અને જી.બી.એફ.એસ. વિંગ્સ પ્રા.લી. કંપનીઓના સંપર્કમાં આવ્યા હતા. આ કંપનીઓએ હોંગકોંગની એસેસ ટ્રેડિંગ કંપની સાથે ડીલ કરાવવાના બહાને વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ સુધી વિવિધ ચાર્જીસના નામે રૂ. ૧.૭૨ કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી.
ટેકનિકલ તપાસ બાદ, મોરબી સાયબર ક્રાઈમ ટીમે દિલ્હી પહોંચી ફ્રેન્ડ ફન્ડામેન્ટલ પ્રા.લી. કંપનીમાં કામ કરતા ધનંજય પ્રદીપ રામા (ઉં.વ.૨૩) ને કસ્ટમર સપોર્ટ ઓપરેટર તરીકેની ભૂમિકામાં સંડોવણી બદલ ઝડપી પાડયો હતો. ગેંગનો મુખ્ય માસ્ટરમાઈન્ડ પારસ સિમ્પાલ હતો , જે નકલી કંપનીઓ બનાવી યુવકોને સ્ટાફમાં રાખી વેપારીઓને લાલચથી ફસાવતો હતો. આ કંપનીઓ વિરુદ્ધ હૈદરાબાદમાં રૂ. ૧.૧૧ કરોડનો અને રાયબરેલીમાં રૂ. ૨.૬૭ કરોડનો સાયબર ફ્રોડનો કેસ નોંધાયેલો છે.