ડભોડાના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૧.૯૩ લાખની મત્તા ચોરી ગયા
Files Photo
ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ યથાવત
નરોડામાં રહેતી મહિલાને દિયરે ચોરી અંગે જાણ કરી પોલીસે ગુનો દાખલ કર્યાે ઃ તસ્કરોને શોધવા મથામણ
ગાંધીનગર,ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડામાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૧.૯૩ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે.
ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ફરીવાર તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ડભોડા ગામની હુડકો વસાહતમાં બંધ મકાનનું તાળું તોડીને ચોરી કરવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અહીં રહેતા દમયંતીબેન રાહુલભાઈ પરમાર અમદાવાદ નરોડા ખાતે શ્યામ સત્વ સોસાયટીમાં ભાડે રહે છે અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે.
દિયર શૈલેષકુમારે ફોન કરીને જાણ કરી હતી કે, તેમના ઘરની જાળી અને ઘર ખુલ્લી હાલતમાં છે. જેના પગલે તેઓ તુરંત જ ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતાં ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો અને તિજોરી ખુલ્લી હતી અને સામાન અસ્તવ્યસ્ત હાલતમાં પડયો હતો. જેના પગલે તેમણે ઘરમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૧.૯૩ લાખ રૃપિયાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેથી આ સંદર્ભે તેમણે ડભોડા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડવા માટે દોડધામ શરૃ કરી હતી.ss1
