Western Times News

Gujarati News

ગ્રીન મેરેથોનમાં મોંગિયાએ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો

અમદાવાદ, પર્યાવરણના રક્ષણ અને આપણી ભવિષ્યની પેઢીઓ માટે શ્રેષ્ઠ જીવનની કટિબધ્ધતાના ભાગરૂપે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એસબીઆઈ ગ્રીન મેરેથોનની ત્રીજી એડિશનનું આજે અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોટાપાયે આયોજન કરવામાં આવ્યું હતું.

એસીબીઆઇની આ ગ્રીન મેરેથોનમાં ૬૫૦૦થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સામાજિક સંદેશા અને પર્યાવરણ જાગૃતિ અર્થે યોજાયેલી ગ્રીન મેરેથોનની આજની ઇવેન્ટમાં ભારતના પૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર નયન મોંગીયાએ ખાસ હાજરી આપી સ્પર્ધકોને ભારે પ્રોત્સાહિત કર્યા હતા. એસબીઆઈનાં ગ્લોબલ માર્કેટ્‌સનાં ડીએમડી એચ.કે.જેના અને એસબીઆઈનાં અમદાવાદ સર્કલનાં સીજીએમ દુખબંધુ રથે આશરે ૬૫૦૦ ઉત્સાહી દોડવીરોને લીલીઝંડી આપી ગ્રીન મેરેથોનનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ભારતનાં ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્‌સમેન નયન મોંગીયા પણ ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આજે સવારે અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ પર ૫, ૧૦ અને ૨૧ કિલોમીટરની લંબાઈ ધરાવતી મેરેથોનમાં ખૂબ મોટી સંખ્યામાં દોડવીરોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમણે પર્યાવરણનું રક્ષણ કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

આ મેરેથોનમાં બેંકનાં વરિષ્ઠ અધિકારીઓ પણ અન્ય સહભાગીઓ સાથે સામેલ થયા હતા. તમામ રનરને સ્વચ્છ અને હરિયાળા શહેરને પ્રોત્સાહન આપવા ઓર્ગેનીક ટી-શર્ટ આપવામાં આવ્યાં હતાં. ૫ાંચ કિલોમીટરનાં દોડવીરોને બિયારણ ધરાવતા બીબ આપવામાં આવ્યાં હતાં, જેનું તેઓ મેરેથોન પછી વાવેતર કરી શકશે. ઉલ્લેખનીય છે કે, એસબીઆઈ ગ્રીન મેરેથોનની ત્રીજી એડિશન દેશના ૧૫ શહેરોમાં યોજાઇ રહી છે. જેમાં ભોપાલ, પટણા, જયપુર, કોલકાતા, મુંબઈ, ચંદીગઢ અને નવી દિલ્હી સામેલ છે.

અગાઉ લખનૌ, ગૌહાટી, થિરુવનંતપુરમ, બેંગલોર, હૈદરાબાદ, ભુવનેશ્વર અને ચેન્નાઈ એમ સાત શહેરોમાં મેરેથોનનું આયોજન થઈ ગયું છે. એસબીઆઈ ગ્રીન મેરેથોન માટે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ હેલ્થ પાર્ટનર છે તથા આ ઝીરો વેસ્ટ ઇવેન્ટમાં એસબીઆઈ લાઇફ અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ્‌સનું પ્રદાન પણ નોંધપાત્ર છે. આજની ગ્રીન મેરેથોનને લઇ વહેલી સવારે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર હજારો દોડવીરોની દોડના અનોખા, ઉત્સાહવર્ધક દ્રશ્યો યોજાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.