ચૂંટણી પંચના ગતકડાંથી મતદારો હવે ગોથે ચડ્યાં
અમદાવાદ, ગુજરાતમાં હાલમાં મતદાર યાદી સુધારણા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ ચૂંટણી પંચની કેટલીક નવી માર્ગદર્શિકાઓને કારણે મતદારો અને રાજકીય પક્ષોમાં મૂંઝવણ અને રોષ જોવા મળી રહ્યો છે.
સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે મતદારે પોતે ભારતીય નાગરિક હોવાનું પુરવાર કરવા માટે માતા-પિતા, દાદા-દાદીના નામ સાથેની વિગતો આપવી પડશે, જેના પુરાવા તરીકે કુટુંબ રજિસ્ટરને માન્ય દસ્તાવેજ ગણવામાં આવ્યું છે.
ચૂંટણી આયોગે માન્ય દસ્તાવેજોની જે યાદી તૈયાર કરી છે, તેમાં કુટુંબ રજિસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ મુદ્દે સવાલ ઊભા થયા છે. ગુજરાતમાં પેઢીનામું તો દસ્તાવેજ તરીકે અમલમાં છે, પરંતુ કુટુંબ રજિસ્ટર કોઈ સરકારી વિભાગ દ્વારા નિભાવવામાં આવતું નથી. આ સંજોગોમાં મતદારો મૂંઝવણમાં મૂકાયા છે કે માન્ય દસ્તાવેજ તરીકે કુટુંબ રજિસ્ટર લાવવું ક્્યાંથી. રાજ્ય ચૂંટણી પંચ કુટુંબ રજિસ્ટરની વ્યાખ્યા સ્પષ્ટ કરે અને પેઢીનામાને માન્ય દસ્તાવેજ તરીકે ગણવામાં આવે તેવી માંગણીઓ ઊઠી છે.
મતદાર યાદી સુધારણાની કામગીરીમાં વિલંબ અને અન્ય ટેકનિકલ સમસ્યાઓ પણ સામે આવી છે. ઘણાં વિસ્તારોમાં હજુ સુધી બૂથ લેવલ ઓફિસર ફોર્મ વહેંચી શક્્યા નથી, જેથી મતદારો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને ફોર્મ મળ્યા નથી. મતદારોને ૨૦૦૨ની મતદાર યાદીમાં નામ શોધવાને લઈને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે ત્યારે પ્રત્યેક વિધાનસભા બેઠકમાં મતદારોની સંખ્યામાં મોટો ઉલટફેર જોવા મળશે, જેને કારણે રાજકીય પક્ષો અને ધારાસભ્યો પણ આ કામગીરીમાં સક્રિય થયા છે.SS1MS
