Western Times News

Gujarati News

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કામ કરતા કોન્ટ્રાકટરો પડતર પ્રશ્નોને લઇ આંદોલનના મૂડમાં

File

કન્સ્ટ્રકશન સહિતના કામ, સાઇટ ઉપર સમસ્યા સહિતના પ્રશ્નોને લઇ તરત નિરાકરણ લાવવા માટેની ઉગ્ર માંગણી
અમદાવાદ,  કન્સ્ટ્રકશન સહિતના કામો, સાઇટો પરની સમસ્યા, ટેન્ડરની શરતો સિવાયનું કામ કરવા કનડગત અને કાયદાકીય ગૂંચમાં તંત્ર દ્વારા ફસાવી દેવાની ધમકી સહિતના મામલે ગુજરાત રાજયના કોન્ટ્રાકટરોમાં હવે ભારોભાર આક્રોશ સામે આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોને લઇ રાજય સરકાર તરફથી કોઇ સંતોષકારક પરિણામ નહી આવતાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન તરફથી રાજયના ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી અને તેમના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા ઉગ્ર માંગણી કરી હતી.

જા રાજય સરકાર દ્વારા સત્વરે રાજયના કોન્ટ્રાકટરની સમસ્યાઓ અને પ્રશ્નોનું નિરાકરણ નહી લવાય તો આગામી દિવસોમાં ગુજરાતભરના કોન્ટ્રાકટરો પ્રજાલક્ષી તમામ બાંધકામો, કામગીરી ઠપ્પ કરી દેવા સહિતનું ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન તરફથી ઉચ્ચારવામાં આવી છે, જેને લઇ હવે સરકાર માટે આગામી દિવસોમાં કોન્ટ્રાકટોરોનો વિવાદ પણ મુશ્કેલી વધારી શકે છે.

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રતિનિધિમંડળ દ્વારા ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કામ કરતા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના કોન્ટ્રાક્ટરોને રાજ્યના વિવિધ શહેરો જેવા કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભુજ, નડિયાદ, વલસાડ, દાહોદમાં પોલીસ આવાસ નિગમ લિમિટેડના ચાલુ કામોમાં ટેન્ડરની શરતો બહારનું કામ કરવા દબાણ કરવામાં આવે છે, તેમજ અન્ય ડિપાર્ટમેન્ટના ચીફ એન્જીનીયરને સાઈટો ઉપર બોલાવી ચાલુ કામોમાં બીનજરૂરી વાંધાવચકા નીકાળી, ગેરવાજબી વાતો કરી કાયદાની ગૂંચમાં ફસાવી દેવાની ધમકી આપી ખોટી કનડગત કરવામાં આવે છે.

તદુપરાંત, ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના કોન્ટ્રાક્ટરોને તેમના ચાલુ કામોમાં જથ્થા વધારો અને ગત ચોમાસામાં ગુજરાત રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણે સમયમર્યાદાની વિકટ મુશ્કેલીનો ગંભીર પ્રશ્ન સતાવી રહ્યો છે. આ બાબતે નિગમના કોન્ટ્રાકટરો દ્વારા અવારનવાર નિગમના મેનેજીંગ ડિરેકટરને રૂબરૂ રજૂઆત તથા લેખિડમાં પણ જાણ કરાઇ છે. પરંતુ તેમના તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળેલ નથી એટલે તમામ કોન્ટ્રાકટર સભ્યો દ્વારા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના પ્રમુખ સમક્ષ આ બાબત અંગે રજૂઆત કરવામાં આવી હતી.

જેને પગલે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના પ્રમુખે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કામ કરતા કોન્ટ્રાક્ટરોને તેમની સાઈટો ઉપર નડતા પડતર પ્રશ્નો અને થતી મુશ્કેલીઓનું ઝડપી નિવારણ લાવવા અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, હોમસેક્રેટરી સહિત ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટરને પત્ર લખી રજૂઆત કરી હતી.

વધુમાં, જા આ સમગ્ર મામલે નિગમ અને સરકારના સત્તાવાળાઓ દ્વારા કોન્ટ્રાકટરોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ નહી લાવવામાં આવે તો, રાજયભરના કોન્ટ્રાકટરો દ્વારા આગામી દિવસોમાં સમગ્ર રાજયમાં પ્રજાલક્ષી બધા જ કામો ઠપ્પ કરી દઇ પોતાનો ઉગ્ર વિરોધ વ્યકત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.