મહેસાણાના કડીમાં આખું ગામ બારોબાર વેચાઈ ગયું
કડી, કડી તાલુકાના વડાવી ગામમાં ૪૫ વર્ષથી વસેલા તરસનિયા પરાનો સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા અમદાવાદના બિલ્ડરના નામે દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો.
પરા વિસ્તારમાં આવેલી સરકારી શાળાના આચાર્યને જાણ થતાં તે રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી રજૂ કરવામાં આવી છે બીજી બાજુ આખા પરાનો વેચાણ દસ્તાવેજ થઈ જતાં મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડતાં થઈ ગયા હતા.કડી તાલુકાનું વડાવી ગામ અને તેનો રેવન્યુ સર્વેનંબર ૩૩૩ પર તરસનીયા પરૂ વર્ષાેથી વસેલું છે.
પરામાં ઠાકોર, રબારી જ્ઞાતિના આશરે ૫૦૦ વ્યક્તિઓ વસવાટ કરે છે. ગામના કુલ ૨૮૯ જેટલા મતદારો મતદાન બુથ નંબર વડાવી ૩ તસરનીયા પ્રાથમિક શાળામાં દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. તરસનીયા પ્રાથમિક શાળાની સ્થાપના ૧૯૭૮ માં થયેલી છે.પરામાં મહાદેવનુ મંદિર, આંગણવાડી પણ આવેલી છે. જે સર્વે નંબર ૩૩૩ વાળી જમીનમાં ગણોતીયા અંગેની નોંધ જે તે વખતે મામલતદાર કચેરી કડી દ્વારા ૧૯૭૬માં બિનઅમલી કરાતાં તેના મૂળ ખેડૂત માલિકો યથાવત રહ્યાં હતાં.
જે અંગેની નોંધના આધારે અત્યાર સુધી બે-બે વખત આ જમીનમાં વારસાઈ નોંધ પાડવામાં આવી અને તત્કાલિન મામલતદાર અને પ્રાંત કચેરી દ્વારા યથાવત્ રાખવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ ૧૦મી ડિસેમ્બર ૨૦૨૫ના રોજ મિલન પટેલે ખેડૂતો પાસેથી જમીન વેચાણ રાખીને તેનો દસ્તાવેજ કડીની સબ રજીસ્ટાર કચેરીમાં કરી લીધો હતો. તેની જાણ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને ધ્યાને આવતાં તેમણે તરસનીયા પ્રાથમિક શાળાના આચાર્ય સંજય ઠાકોરને જાણ કરી હતી.
ત્યારબાદ તપાસ કરતાં જે જમીન ઉપર તરસનીયા પરૂ વસેલું છે અને પ્રાથમિક શાળા, આંગણવાડી કાર્યરત છે તે સર્વે નંબર ૩૩૩ વાળી જમીનનો કડીની સબ રજીસ્ટાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરીને કોઈ અમદાવાદના બિલ્ડરે કરી લીધો હોવાની હકીકત સામે આવી હતી. જે અંગે ટીપીઓને જાણ કરતાં તેમની સૂચનાને પગલે આચાર્ય સંજય ઠાકોરે દસ્તાવેજ સામે વાંધા અરજી કડી મામલતદાર, સબ રજીસ્ટાર, ટીડીઓ, પ્રાંત અધિકારી સહિતને આપવામાં આવી છે.
કડી મામલતદાર માધવીબેન પટેલે જણાવ્યા મુજબ, કડી તાલુકાના વડાવી ગામના તરસનીયા પરાનો દસ્તાવેજ થયો હોવાની જાણ થતાં રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસરને સ્થળ પંચનામું કરવા મોકલવામાં આવ્યાં છે. સર્વે નંબર ૩૩૩માં શાળા અને મંદિર હોવાછતાં દસ્તાવેજ કેવીરીતે થયો તે અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજીતરફ સર્કલ ઓફિસર ફાલ્ગુન પરમારે આ કેસમાં તકરારી નોંધ દાખલ કરી સબ રજિસ્ટ્રાર કચેરીને પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.SS1MS
