Western Times News

Gujarati News

સુરતના કોસાડમાં થયેલી હત્યાના કેસમાં ત્રણ આરોપીને આજીવન કેદ

સુરત, અમરોલી ખાતે આવેલા કોસાડ આવાસમાં રહેતા યુપીવાસી યુવકની જૂની અદાવતમાં હત્યા કેસમાં કોર્ટે ત્રણેય આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને દરેક આરોપીને ૫૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.

મૂળ યુપીના વતની રામુભાઈ સંતરામભાઈ ગોસ્વામી સુરતના અમરોલી ખાતે આવેલા કોસાડ આવાસમાં રહેતા હતા. ગઈ તારીખ ૨૫/૧૦/૨૦૨૦ ના રોજ રાત્રે પોતાના ઘરે હતા દરમિયાન આરોપી અબ્રેઆલમ ઉર્ફે આલમ ઉર્ફે સલમાન નઈમ નબી રસુલ શેખ, સતિષભાઈ ઉર્ફે સતલો ભીખાભાઈ રાઠોડ, અલી આલમ નઈમ નબી રસુલ શેખ આવ્યા હતા.

ત્રણેય શખ્સોએ રામુભાઈ ગોસ્વામીના પેટના ભાગે ચાકુના ઘા માર્યા હતા જેથી તેઓ નીચે પડી ગયા હતા. દરમિયાન આલમે ગળામા પહેરેલી એક તોલાની સોનાની ચેન જેની કિંમત રૂપિયા આશરે ૨૫,૦૦૦ની ખેચી લીધી હતી.

બાદમાં આલમે જણાવ્યું હતું કે “ચલો યહા સે નીકલો અપના કામ હો ગયા” તેવું બોલી ત્રણેય ત્યાથી ભાગી છૂટયા હતા.બાદમાં આજુબાજુના લોકો એકઠા થયા હતા અને ઘાયલ અવસ્થામાં રામુભાઈને ૧૦૮માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હત્યાના બનાવ અંગે અમરોલી પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ત્રણેય આરોપીને કસૂરવાર ઠેરવી બુધવારે આજીવન કેદની સજા અને દરેક આરોપીને ૫૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.