રશિયાએ યુક્રેન પર ૭ દિવસમાં ૧૩૦૦ ડ્રોન-૧૨૦૦ બોમ્બ ઝીંક્યાનો ઝેલેન્સ્કીનો દાવો
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક અને વિનાશક બન્યું છે. યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ દાવો કર્યાે છે કે છેલ્લા માત્ર સાત દિવસમાં રશિયાએ યુક્રેન પર ૧૩૦૦ ડ્રોન, ૧૨૦૦ ગાઈડેડ એરિયલ બોમ્બ અને ૯ મિસાઈલો વડે અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યાે છે. આ હુમલાઓમાં ઓડેસા અને દક્ષિણના વિસ્તારોને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં સામાન્ય જનજીવન પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
શુક્રવારે રાત્રે ઓડેસા ક્ષેત્ર પર થયેલા રશિયન હુમલામાં આઠ લોકોના મોત થયા હતા અને ૨૭ અન્ય ઘાયલ થયા હતા. અહેવાલ મુજબ, છેલ્લા નવ દિવસથી ઓડેસા પર સતત હુમલાઓ થઈ રહ્યા છે, જેના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર આ ભીષણ તબાહીનો એક વીડિયો શેર કરીને જણાવ્યું કે તેમની સેના પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય જીવન બહાલ કરવા માટે કામ કરી રહી છે.
એક તરફ જ્યાં રશિયા હુમલાઓ તેજ કરી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેનને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી આર્થિક મદદ પણ મળી રહી છે. ઝેલેન્સકીએ જણાવ્યું કે યુરોપિયન કાઉન્સિલે ૨૦૨૬-૨૦૨૭ માટે ૯૦ બિલિયન યુરો (લગભગ ૧૦૬ બિલિયન ડોલર)નું નાણાકીય પેકેજ ફાળવ્યું છે.
આ ઉપરાંત, નોર્વે અને જાપાન તરફથી પણ મોટા સહાય પેકેજ મળ્યા છે અને પોર્ટુગલ સાથે દરિયાઈ ડ્રોનના સંયુક્ત ઉત્પાદન માટે કરાર થયા છે.આ હુમલાઓ અને તબાહી વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન અને અમેરિકાની વાટાઘાટ ટીમો “સન્માનજનક શાંતિ” સાથે યુદ્ધનો અંત લાવવાના રસ્તા શોધી રહી છે. બીજી તરફ, મિયામીમાં રશિયા અને અમેરિકા વચ્ચે ઉચ્ચ સ્તરીય ગુપ્ત વાટાઘાટો ચાલી રહી છે.
રશિયન પ્રમુખના વિશેષ દૂત કિરિલ દિમિત્રીવે આ વાતચીતને “રચનાત્મક” ગણાવી છે અને કહ્યું છે કે તે રવિવાર સુધી ચાલુ રહેશે. આ બેઠકમાં અમેરિકા તરફથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનર સામેલ છે.SS1MS
