ટ્રમ્પની તસવીરો હટાવવા ૧૦૦૦ લોકોને કામે લગાડાયા હતાઃ ડેમોક્રેટ સાંસદ
વાશિગ્ટન, અમેરિકન ન્યાય વિભાગે શુક્રવારે કુખ્યાત ગુનેગાર જેફરી એપસ્ટિન સંબંધિત લાખો ફાઈલો જાહેર કરી હતી અને શનિવારે કેટલીક ફાઈલો ગાયબ થઈ ગઈ છે ત્યારે ડેમોક્રેટિક સેનેટર ડિક ડર્બિને આક્ષેપ કર્યાે હતો કે એપસ્ટિન ફાઈલોમાંથી પ્રમુખ ટ્રમ્પની તસવીરો ગાયબ કરવા માટે સરકારે ૧૦૦૦ લોકોને ૨૪ કલાક કામે લગાવાયા હતા. ન્યાય વિભાગે શુક્રવારે જેફરી એપસ્ટિન સંબંધિત લાખો દસ્તાવેજો જાહેર કર્યા હતા.
જોકે, ડેમોક્રેટ સાંસદો અને અમેરિકનોની અપેક્ષા કરતા ઘણા ઓછા દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો. ઈલિનોઈસના ડેમોક્રેટ સાંસદ ડિક ડર્બિને કહ્યું કે, ટ્રમ્પના એટર્ની જનરલ પામ બોન્ડીએ ૧૯ ડિસેમ્બરે એપસ્ટિનની ફાઈલો જાહેર થાય તે પહેલાં લાખો દસ્તાવેજોની સમીક્ષા માટે ૧૦૦૦ લોકોને ૨૪ કલાક કામે લગાડવા એફબીઆઈ પર દબાણ કર્યું હતું.
મને જાણવા મળ્યું છે કે આ લોકોને એપસ્ટિનની ફાઈલોમાં પ્રમુખ ટ્રમ્પ અંગેના કોઈપણ રેકોર્ડ તરફ ‘ધ્યાન’ દોરવાની સૂચના અપાઈ હતી, જેથી વાંધાજનક દસ્તાવેજોને જાહેર થતા રોકી શકાય.વધુમાં ન્યાય વિભાગે શુક્રવારે જાહેર કરેલા લાખો દસ્તાવેજોમાંથી હજારો દસ્તાવેજો, તસવીરો પર કાળી શાહી લગાવી પીડિતોની ઓળખ છુપાવવામાં આવી છે.
જાતીય અને શારીરિક શોષણ દર્શાવતા મટિરિયલ્સ સહિત પીડિતોની ઓળખ જાહેર થાય તેવી માહિતીઓ છુપાવવામાં આવી છે. જેમ કે, એક તસવીરમાં બ્રિટનના ભૂતપૂર્વ પ્રિન્સ એર્ન્ડ્યુને કેટલીક મહિલાઓના ખોળામાં સૂતેલા દર્શાવાયા છે. આ તસવીરમાં બધી જ મહિલાઓના ચહેરા કાળી શાહીથી ઢાંકી દેવાયા છે. ન્યાય વિભાગે જેફરી એપસ્ટિનન અને ઘેસ્લિન મેક્સવેલ અંગે ન્યૂયોર્ક ગ્રાન્ડ જ્યુરીની ફાઈલોના પાનાઓને સંપૂર્ણપણે કાળી શાહી લગાવી દીધી છે.
જેફરી એપસ્ટિન પર જાતીય શોષણના આક્ષેપો કરનારી એક પીડિતા વર્જિનિયા ગીઉળેએ અગાઉ તેને પ્રિન્સ સહિત અનેક ધનવાનો સાથે જાતીય સમાગમ માટે મોકલવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યાે હતો.
જેફરી એપસ્ટિનના જાતીય શોષણનો ભોગ બનેલી અન્ય એક પીડિતા મરિના લાસેર્દાએ આક્ષેપ કર્યાે હતો કે તે ૧૪ વર્ષની હતી ત્યારથી તેનું જાતીય શોષણ કરાયું હતું. આ ફાઈલો જાહેર કરતી વખતે ન્યાય વિભાગ પાસેથી સંપૂર્ણ પારદર્શિતાની અપેક્ષા હતી, પરંતુ ન્યાય વિભાગે અનેક તસવીરો અને ફાઈલો પર કાળી શાહી લગાવી પીડિતોની ઓળખ છુપાવતા તે હતાશ થઈ ગઈ હતી.SS1MS
