શૂટિંગ દરમિયાન અભિનેતા ઇમરાન હાશ્મી થયો ઈજાગ્રસ્ત
મુંબઈ, અભિનેતા ઇમરાન હાશ્મીને તાજેતરમાં ફિલ્મ ‘આવારાપન ૨’ માટે હાઇ-ઓક્ટેન એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે પેટમાં ગંભીર ઈજા થઈ હતી. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, ઇમરાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેને સર્જરી કરવાની આવશ્યક્તા જણાઈ હતી. પરંતુ ઈજાગ્રસ્ત હોવા છતાં ઇમરાન હાશ્મીએ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કર્યું હતું. ઇમરાનની હોસ્પિટલની તસવીર વાઈરલ થઈ છે.શૂટિંગ સમયે ઇમરાન હાશ્મી ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરે ઇમરાનની સારવાર કરીને આરામ કરવાની સલાહ આપી હતી. જોકે, ઇમરાન હાશ્મી કામ પર પરત ફર્યાે હતો. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.
જ્યાં હાશ્મીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શૂટિંગ શિડ્યુઅલમાં બદલાવ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ, તબીબી દેખરેખ હેઠળ ઇમરાન હાશ્મી એક્શન મૂવમેન્ટ કરી રહ્યો છે અને પ્રોડક્શન ટીમ પણ એક્ટર પર નજર રાખી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક તસવીર વાઈરલ થઈ રહી છે.
જેમાં ઇમરાન હાશ્મીના પેટના ભાગે પટ્ટી બાંધેલી જોવા મળે છે. ઇમરાનની તબિયતને ધ્યાનમાં રાખીને ‘આવારાપન ૨’ ફિલ્મની ટીમે એક્ટરની શૂટિંગ યોજનામાં ફેરફારો કર્યાે છે. જેમાં એક્ટરના કામના કલાકો ઘટાડવા અને શારીરિક શ્રમ ઘટાડવાનો સમાવેશ થાય છે, જેનાથી ઇમરાનનું સ્વસ્થ્ય જળવાય અને વ્યાવસાયિક જવાબદારીઓ સાથે સંતુલિત કરી શકાય.
જ્યારે ઇમરાનના ફેન્સ અને સમર્થકોએ તેના કામ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે અને તે ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી છે.ઇમરાન છેલ્લે યામી ગૌતમ સાથે ફિલ્મ ‘હક’માં જોવા મળ્યો હતો.
આ ફિલ્મમાં તેણે એક વકીલનો રોલ કર્યાે હતો. મળતી માહિતી મુજબ, ઇમરાન પાસે અનેક રોચક પ્રોજેક્ટ આવશે. તેની વેબસીરિઝ ‘તસ્કરી’ ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬એ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. નીરજ પાંડે દ્વારા નિર્મિત અને રાઘવ જયરથ દ્વારા દિગ્દર્શિત, વેબ સીરિઝમાં શરદ કેલકર, અમૃતા ખાનવિલકર, નંદિશ સિંહ સંધુ, અનુરાગ સિંહા અને ઝોયા અફરોઝ જોવા મળશે.SS1MS
