Western Times News

Gujarati News

ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે

ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરાશે-ફ્લાવર શોનું ઉદ્ધાટન  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે થશે. 

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે.

“ભારત એક ગાથા” થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026 થી 22 જાન્યુઆરી 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે.આ અવસરે મુખ્યમંત્રી દ્વારા “સ્ત્રી સશક્તિકરણ” ની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું પણ અનાવરણ કરવામાં આવશે.

આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં, પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દૃશ્યપટ રજૂ કરશે.

“ભારત એક ગાથા” થીમ હેઠળ આ ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઇને આધુનિક વિકાસ સુધીની સમગ્ર યાત્રાને એક જીવંત અને કલાત્મક વાર્તા તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે, જેમાં ફૂલ, કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે. પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ-અલગ આયામોને ઉજાગર કરશે,

જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વિતા અને આધુનિક વિકાસની ગાથા સમાયેલ હશે. મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમયયાત્રાનો અનુભવ કરશે અને “એકતામાં વિવિધતા”ની ભાવનાને નજીકથી અનુભવી શકશે.

ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશદ્વારથી શરૂ થશે, જ્યાં બે વિશાળ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક બની રહેશે. પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે, જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુરૂપ ગૌરવસભર વાતાવરણ સર્જશે.

ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ફૂલકળાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ, હોળીના રંગો અને ઉલ્લાસ, ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જીવંત સ્વરૂપ આપવામાં આવશે. આ ઝોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે,

જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે. ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો “શાશ્વત ભારત” ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે. આ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં સમુદ્ર મન્થન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રીતે પુનઃરચિત કરવામાં આવશે, જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે ફરી જોડશે.

આધુનિક ભારતની પ્રગતિને દર્શાવતો “ભારતની સિદ્ધિઓ” ઝોન ફૂલોના માધ્યમથી દેશની હાઈ-સ્પીડ રેલ, નવનીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતાને રજૂ કરશે. આ ઝોન ભારતના વારસા અને ભવિષ્યમુખી નવીનતાના સંતુલિત વિકાસની શક્તિશાળી ગાથા રજૂ કરશે.

પ્રદર્શનનું એક મુખ્ય કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય એકતાનું પ્રતીકાત્મક ઝોન રહેશે, જેમાં 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ કરવામાં આવશે. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.