Western Times News

Gujarati News

ઔડાના મકાનો આપવાના બહાને છેતરપીંડી

પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલી ચાલીમાં રહેતા ગરીબ અને શ્રમિક પરિવારો પાસેથી રૂપિયા
પડાવી ગઠીયો ફરાર : દરિયાપુર પોલીસે ગુનો દાખલ કરી શરૂ કરેલી તપાસ : અનેક
નાગરિકો છેતરપીંડીનો ભોગ બન્યા હોવાની પોલીસને આશંકા

(પ્રતિનિધિ) અમદાવાદ 03062019: કેન્દ્રમાં એનડીએની સરકાર આવ્યા બાદ તમામ લોકોને ઘરનું ઘરની યોજના અમલમાં આવી છે અને આ માટે ખૂબજ ઝડપથી કામગીરી પણ થઈ રહી છે જેના પરિણામે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોમાં ઘરનું ઘર મળવાની આશા જાવા મળી રહી છે અનેક લોકોને મકાનો પણ ફાળવી દેવામાં આવ્યા છે અને હજુ પણ આવા મકાનો બંધાઈ રહયા છે સરકારી એજન્સીઓ દ્વારા આ મકાનો ફાળવવાની અને આપવાની કામગીરી કરવામાં આવતી હોય છે પુરી ચકાસણી બાદ કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.

કેન્દ્ર અને રાજય સરકારોની આ કામગીરીનો કેટલાક ગઠીયાઓ ભરપુર લાભ ઉઠાવી રહયા છે અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં અને ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવી ટોળકીઓ ફરી રહી છે જે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ઘરનું ઘર આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી આચરી રહી છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં પણ આવા જ એક ભેજાબાજ ગઠીયાએ અનેક પરિવારો પાસેથી ઔડાના મકાનો આપવાના બહાને રૂપિયા પડાવી પલાયન થઈ જતાં ભોગ બનેલા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે દરિયાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેર ઉપરાંત રાજયભરમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે સ્થાનિક તંત્રો દ્વારા કેન્દ્ર સરકારની યોજના હેઠળ મકાનો બાંધવામાં આવી રહયા છે અને કેટલાક સ્થળોએ મકાનો પણ ફાળવી દેવામાં આવ્યા છે એનડીએની સરકાર આવ્યા બાદ આ યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે

અમદાવાદ શહેરમાં પણ ઔડા દ્વારા અનેક વિસ્તારોમાં મકાનો બાંધવાનું કામ ચાલી રહયું છે ચોંકાવનારી બાબત એ છે કે અમદાવાદ શહેરમાં કેટલાક ગઠીયાઓ ખુલ્લેઆમ ગરીબ અને શ્રમિક પરિવારો સાથે છેતરપીંડી આચરી રહયા છે. ઘરનું ઘર યોજના માટે ગઠીયાઓ આવા પરિવારોને નિશાન બનાવે છે

પ્રારંભમાં નાગરિકોનો વિશ્વાસ કેળવ્યા બાદ તેઓની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવે છે ઘરનું ઘર મેળવવાની લાલચમાં નાગરિકો પણ આવા ગઠીયાઓની લાલચમાં આવી જતા હોય છે શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશન હેઠળના પ્રેમદરવાજા વિસ્તારમાં એક શખ્સ આવ્યો હતો આ ગઠીયાએ સ્થાનિક એક નાગરિકની ઓળખાણ કાઢી પ્રેમદરવાજા વિસ્તારમાં આવેલા કોટની રાંગ પાસેના છાપરામાં ફરતો હતો અને ત્યાં રહેતા નાગરિકોને ઔડાના મકાન અપાવવાની લાલચ આપતો હતો.

ભોગ બનેલા નાગરિકોએ દાગીના ગીરવે મુકી રૂપિયા આપ્યા હતા

પ્રેમદરવાજા પાસે કોટની રાંગે આવેલા છાપરામાં રહેતા પરિવારોએ ઘરનું ઘર મેળવવાની લાલચમાં રૂપિયા આપવાની શરૂઆત કરી હતી છાપરામાંથી સારી જીંદગી મળે તે માટે ઔડાના ફલેટ રાખવા પરિવારના સભ્યોએ રૂપિયા ભરવાનો નિર્ણય કર્યો હતો કેટલાક પરિવારના સભ્યો ઉધારમાં લાવીને રૂપિયા ભરતા હતા તો કેટલાક પરિવારના સભ્યોએ પોતાના દાગીના વહેંચીને તો કેટલાકે ગીરવે મુકીને રૂપિયા મેળવી જાકીરમીંયાને આપ્યા હતાં પરંતુ જાકીરમિંયા આ તમામ પરિવારોના રૂપિયા લઈ ફરાર થઈ જતાં ભોગ બનેલા નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

મુળ ખેડા જિલ્લાના મહુધાનો રહેવાસી જાકીરમિંયા મોહંમદમિંયા મલેક નામના શખ્સે આ છાપરામાં રહેતા કેટલાક પરિવારોનો સંપર્ક સાધ્યો હતો અને તેઓને જણાવ્યું હતું કે તેની પહોંચ છેક ઉપર સુધી છે અને આ ઓળખાણનો લાભ અપાવી છાપરામાં વસતા પરિવારોને ઘરનું ઘર અપાવવાની લાલચ આપી હતી

જેના પરિણામે છાપરામાં રહેતા કેટલાક પરિવારો તેની વાતમાં આવી ગયા હતાં અને તેની સાથે સંપર્ક કેળવવા લાગ્યા હતા આ દરમિયાનમાં જાકીરમિંયાએ કેટલાક પરિવારના સભ્યોને લઈ મેમ્કો રોડ પર આવેલી અશોકમિલની જગ્યામાં બની રહેલા ઔડાના મકાનો બતાવ્યા હતા અને કહ્યું હતું કે આ મકાનોમાં તમને ફલેટ અપાવીશ. છાપરામાંથી સીધા જ ફલેટમાં રહેવા મળશે તેવી લાલચથી પરિવારો સંપૂર્ણપણે જાકીરમિયાની વાતમાં ફસાઈ ગયા હતા.

(૧) મહેશ વિક્રમભાઈ સોલંકીની માતા  (ર) વિદ્યા રાજેશભાઈ વાનખેડે 
(૩) પુષ્પાબેન  (૪) બિંદુબેન દિનેશભાઈ શુકલ 
(પ) સંતોષભાઈ વિક્રમભાઈ ઉપાધ્યાય  (૬) ચંદ્રિકાબેન ચૌહાણ 
(૭) ભગવતીબેન ગોસ્વામી એ (૮) સુશીલાબેન ગોસ્વામી
(૯) ગાયત્રીબેન ગોસ્વામી  (૧૦) નિલેષભાઈ રાજુભાઈ

પ્રારંભમાં વિશ્વાસ કેળવ્યા બાદ તેણે આ છાપરામાં રહેતા કેટલાક પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે ફલેટ લેવા માટે થોડા પૈસા પણ ભરવા પડશે પરંતુ પ્રારંભમાં સ્થાનિક નાગરિકોએ ભર્યાં ન હતા ત્યારબાદ જાકીરમિંયાએ સંપૂર્ણપણે આ પરિવારના સભ્યોને ઔડાના મકાન આપવાની ખાતરી આપી હતી અને કેટલાક પરિવારના સભ્યોએ પૈસા આપવાની પણ શરૂઆત કરી હતી ધીમેધીમે અનેક પરિવારોએ જાકીરમિંયાને પૈસા આપવા લાગ્યા હતાં.

છાપરામાં રહેતા (૧) મહેશ વિક્રમભાઈ સોલંકીની માતા (ર) વિદ્યા રાજેશભાઈ વાનખેડે (૩) પુષ્પાબેન (૪) બિંદુબેન દિનેશભાઈ શુકલ (પ) સંતોષભાઈ વિક્રમભાઈ ઉપાધ્યાય (૬) ચંદ્રિકાબેન ચૌહાણ (૭) ભગવતીબેન ગોસ્વામી (૮) સુશીલાબેન ગોસ્વામી (૯) ગાયત્રીબેન ગોસ્વામી (૧૦) નિલેષભાઈ રાજુભાઈએ જાકીરમિંયાને રૂપિયા આપ્યા હતા આ તમામ નાગરિકો પાસેથી આરોપીએ રૂ.૯ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી ત્યારબાદ સમય જતા આ નાગરિકોએ ઔડાના મકાનની માંગણી કરી હતી પ્રારંભમાં જાકીરમિયાએ થોડા સમયમાં મકાન ફાળવી દઈશુ તેવું જણાવ્યું હતું બીજીબાજુ જે ફલેટો બતાવ્યા હતા તે ફલેટોમાં લોકો રહેવા પણ આવી જતા આ તમામ નાગરિકોએ જાકીરમિંયા પાસે વારંવાર ઉઘરાણી શરૂ કરી હતી.

નાગરિકોએ મકાનની ઉઘરાણી શરૂ કરતા જ પ્રારંભમાં જાકીરમિંયાએ ગલ્લા તલ્લા કર્યાં હતા અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો જેના પરિણામે રૂપિયા ભરનાર તમામ નાગરિકોએ પોતે છેતરાયા હોવાનું ભાન થયું હતું જાકીરમિંયાએ આ ઉપરાંત પણ અનેક નાગરિકો સાથે ઔડાના મકાન આપવાની લાલચ આપી છેતરપીંડી આચરી હોવાનું માનવામાં આવી રહયું છે. પ્રારંભમાં મહેશ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ વધુ નાગરિકોએ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. દરિયાપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.