Western Times News

Gujarati News

અમદાવાદમાં માથાદીઠ દૈનિક ૬૦થી ૮૦ લીટર પાણીનો વ્યય

પ્રતિકાત્મક

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રોજ વ્યક્તિ દીઠ સરેરાશ ર૩૦ લીટર પાણીનો સપ્લાય

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોને રોજ ૧૭૦૦ એમએલડી શુદ્ધ પાણી સપ્લાય કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સામાન્ય પ્રમાણ મુજબ એક વ્યક્તિને રોજ ૧પ૦ લીટર પાણીની જરૂરિયાત રહે છે

પરંતુ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરેરાશ ર૩૦ લીટર પાણી સપ્લાય કરવામાં આવી રહયું છે. તેમ છતાં પાણી અંગેની ફરિયાદો સતત વધી રહી છે તેના માટે જવાબદાર કોણ ? તે પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે.

જો આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો પાણીની તકલીફ અંગે નાગરિકો પોતે જ જવાબદાર છે. કારણ કે રોજ એક વ્યક્તિ જેટલા પાણીનો વપરાશ કરે છે તેટલા જ પાણીનો બગાડ પણ કરે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના ૭ ઝોનમાં સરેરાશ ર૩૦ લીટર કરતા વધુ પાણી સપ્લાય કરવામાં આવી રહયું છે. શહેરના મધ્યઝોનમાં દૈનિક માથાદીઠ ૩ર૬ લીટર, ઉત્તર પશ્ચિમમાં ર૦૬ લીટર, દ.પ.માં ર૧૬ લીટર, પશ્ચિમ ઝોનમાં રર૬, ઉત્તર ઝોનમાં ર૪ર, પૂર્વ ઝોનમાં ર૮ર, અને દક્ષિણમાં રપ૩ લીટર પાણી સપ્લાય કરવામાં આવી રહયું છે.

જેની સામે અમદાવાદના નાગરિકો માથાદીઠ ૧૩પ થી ૧પ૦ લીટર જ પાણીનો વપરાશ કરે છે. જયારે રોજના ૬૦ થી ૮૦ લીટર પાણીનો સીધો વ્યય થઈ રહયો છે. એક સર્વે મુજબ જોવામાં આવે તો રોજ એક વ્યક્તિને નાહવા માટે ૪૦ થી ૬૦ લીટર પાણીની જરૂરિયાત રહે છે.

આ ઉપરાંત વાસણ માટે રપ થી ૩પ લીટર, હાથથી કપડા ધોવા માટે ૧પ થી ૩૦ લીટરનો વપરાશ થાય છે. જયારે વોશીંગ મશીનમાં કપડા ધોવાથી ટોપ લોડ મશીન પર ૧૦૦ થી ૧ર૦ લીટર અને ફ્રંટ લોડ પર પ૦ થી ૭૦ લીટરનો વપરાશ થાય છે. જયારે આરઓમાં ૧ લીટર પાણી શુધ્ધ કરવા માટે ર થી ૩ લીટર પાણીનો વ્યય થાય છે. જેના કારણે એક દિવસ દરમિયાન આરઓમાં ર૦ થી ૪૦ લીટર પાણીનો બગાડ થઈ રહયો છે.

આ ઉપરાંત ટ્રીટમેન્ટ પ્લાન્ટથી વો.ડી. સ્ટેશન અને ત્યાંથી નાગરિકના ઘર સુધી જતા લગભગ ર૦ ટકા પાણીનો વ્યય લીકેજ અથવા અન્ય કારણોસર થાય છે. તેમજ જાહેર સુવિધાઓ અને સ્ટ્રીટ લેવલ વેસ્ટેઝ, બાંધકામ સાઈટ, કાર વોશીંગ સેન્ટર, સરકાર બિલ્ડીંગો તેમજ બગીચાઓમાં પણ પાણીનો વ્યય મોટા પ્રમાણમાં થઈ રહયો છે

તેથી કુલ ગણતરી મુજબ રોજ પાઈપ લાઈન લીકેજથી માથાદીઠ ૪૦ થી ૬૦ લીટર, આરઓ રીઝેક્ટ ૧૦ થી ર૦ લીટર, ગેરકાયદેસર જોડાણ ૧૦ થી ર૦ લીટર અને ટાંકી, વાલ્વ લીકેજના કારણે પ થી ૧૦ પાણીનો વ્યય થઈ રહયો છે.

શહેરમાં પાણીનો પર્યાપ્ત જથ્થો છે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ જરૂરિયાત કરતા વધુ પાણી સપ્લાય કરવામાં આવી રહયું છે તેમ છતાં નાની મોટી ખામીઓના કારણે પાણીનું મોટા પ્રમાણમાં બગાડ થાય છે જેના માટે તંત્રને દોષ દેવાને બદલે સ્વયંને સુધારવાની જરૂર છે આપણા માટે નહીં તો આગામી પેઢી માટે પણ પાણીનો બચાવ કરવો જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.