Western Times News

Gujarati News

સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ

પ્રતિકાત્મક

(એજન્સી)આણંદ, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં લોકશાહીને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ગામમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર એક જાગૃત નાગરિક પર મહિલા સરપંચ અને તેમના પરિવારે હુમલો કરી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે.

હાલ પીડિત ખેડૂત વડોદરાની હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અંબાવ ગામના અમરાદેવ મંદિર પાછળ રહેતા ૫૧ વર્ષીય ભરતભાઈ ફૂલસિંહ પઢીયારે ગામમાં થતા ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રી, વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆતો કરી હતી.

આટલું જ નહીં, ન્યાય ન મળતા તેમણે મીડિયામાં પણ નિવેદન આપ્યું હતું. જેથી આ રજૂઆતોથી અકળાયેલા અંબાવ ગામના મહિલા સરપંચ કોકિલાબેન પઢીયાર અને તેમનો પરિવાર ભરતભાઈ પર ખાર રાખી રહ્યો હતો.

ગત ૪ જાન્યુઆરીના રોજ ભરતભાઈના ઘરે ભજનનો કાર્યક્રમ હતો. તેઓ જ્યારે ગામના એક વિસ્તારમાં કામ અર્થે ગયા હતા, ત્યારે મહિલા સરપંચ કોકિલાબેન અને તેમના પરિવારના અન્ય સભ્યો ઇકો કાર લઈને ત્યાં ધસી આવ્યા હતા અને ભરત ભાઈ પર હુમલો કરી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે ભરત ભાઈએ નિવેદન આપ્યું હતું કે, તેમણે મને ગાળો આપી અને ભ્રષ્ટાચારની અરજીઓ કરવા બાબતે ડખો કર્યો અને પછી સરપંચે મને પકડી રાખ્યો, તેમના પુત્ર નિલેશે મારા પર પેટ્રોલ છાંટ્યું અને બીજા પુત્ર રાજેશે આગ ચાંપી દીધી પછી તેઓ ભાગી ગયા હતા.

તો બીજી તરફ આ ગંભીર હુમલામાં ભરતભાઈ અને તેમને બચાવવા ગયેલા તેમનો પુત્ર દાઝી ગયો છે. બંનેને તાત્કાલિક વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ભરતભાઈની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે આંકલાવ પોલીસે મહિલા સરપંચ સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આણંદ વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.