ભારતે ૭૨ કલાકમાં મસ્કના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પાસેથી રિપોર્ટ માગ્યો હતો
ભારતની ચીમકી બાદ ઈલોન મસ્કનું એક્સ પર ‘સફાઈ’ અભિયાન શરૂ
(એજન્સી)નવી દિલ્હી, માઇક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર કેટલીક અશ્લિલ સામગ્રી પોસ્ટ કરીને બદનામી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ભારત સરકારે આ મામલે ઈલોન મસ્કના પ્લેટફોર્મ એક્સને કડત ચીમકી આપી હતી. ત્યારબાદ મસ્કે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને સફાઈ અભિયાન હાથ ધર્યું છે. એક્સને ગેરકાયદે અને અશ્લિલ કન્ટેન્ટ માટે ઝીરો ટોલરન્સ પોલિસી અમલમાં મૂકી છે.
જેમાં ગ્રોક આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના દુરૂપયોગથી કરાતી પોસ્ટ સામે પણ કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે. ભારતે ૭૨ કલાકમાં એક્સ પાસેથી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો હતો.ભારત સરકારની ચીમકીના બીજા જ દિવસે એક્સ પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. મસ્કના પ્લેટફોર્મે કહ્યું કે, એઆઈનો દુરૂપયોગ તથા અશ્લિલ કન્ટેન્ટ પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.
આટલું જ નહીં વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનાર યુઝરનું એકાઉન્ટ બેન કરવા સુધીના પગલાં લેવામાં આવશે. જરૂર જણાશે તો એક્સ સ્થાનિક સરકાર તેમજ કાયદાકીય એજન્સીઓ સાથે સહયોગ પણ કરશે. એક્સના ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ એકાઉન્ટ મારફતે આ નિવેદન જાહેર કરાયું હતું. જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, જે લોકો અશ્લિલ કન્ટેન્ટ ઉપલોડ કરે છે તથા એઆઈ ટુલ ગ્રોકનો દુરૂપયોગ કરીને બિભત્સતા ફેલાવવાનું કામ કરે છે તેવા એકાઉન્ટ્સ પર કડક કાર્યવાહી કરાશે.
એક્સના નિયમોની લિન્ક પણ શેર કરાઈ હતી, જેમાં પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી જાતિય ક્રિયાને યોગ્ય રીતે લેબલ કરીને અને તે સ્પષ્ટ રીતે પ્રદર્શિત થા થતી હોય તો પોસ્ટ કરવાની મંજૂરી હોવાનું જણાવાયું હતું. એક્સ પ્લેટફોર્મ પર રહેલું બિભત્સ, અશ્લિલ તથા ગેરકાયદે કન્ટેન્ટ સ્થાનિક કાયદાનો ઉલ્લંઘન કરતું હોવાનું ભારત સરકારે નોંધ્યું હતું.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે ૨ જાન્યુઆરીએ એક્સ પરથી આ અશ્લિલ સામગ્રીને ખાસ કરીને એઆઈ એપ ગ્રોકની મદદથી મૂકાયેલી અભદ્ર પોસ્ટ્સને તાત્કાલિક હટાવવા આદેશ આપ્યો હતો. રાજ્યસભાની સાંસદ પ્રિયંકા ચુતુર્વેદીએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને આ મામલે હસ્તક્ષેપ કરવા લેખિત જાણ કરી હતી.
