અરુણાચલ પ્રદેશનું પવિત્ર ‘પરશુરામ કુંડ’: જ્યાં મકરસંક્રાતિના દિવસે સ્નાન માત્રથી ભક્તો પાપમુક્ત થાય છે
લોકવાયકા છે કે અરુણાચલ પ્રદેશમાં આ દિવસે લોહિત નદીના કિનારે સ્થિત ‘પરશુરામ કુંડ’માં સ્નાન કરવાનું મહત્વ ગંગા સ્નાન જેટલું જ પવિત્ર માનવામાં આવે છે-ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામે માતૃ-હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી હતી.
લોહિત, અરુણાચલ પ્રદેશ: ભારતના પૂર્વોત્તર છેડે આવેલા અરુણાચલ પ્રદેશમાં લોહિત નદીના કિનારે સ્થિત ‘પરશુરામ કુંડ’ આજે પણ લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક બની રહ્યો છે. હિમાલયની પહાડીઓ વચ્ચે અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ પ્રવાસનની દ્રષ્ટિએ પણ ભારતનું એક અણમોલ રત્ન છે.
પૌરાણિક ગાથા: ભગવાન પરશુરામની મુક્તિની કથા
પૌરાણિક માન્યતા મુજબ, આ એ જ સ્થળ છે જ્યાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામે માતૃ-હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી હતી. પિતા જમદગ્નિના આદેશનું પાલન કરતા પરશુરામે તેમની માતા રેણુકાનો વધ કર્યો હતો. આ ઘટના બાદ હત્યામાં વપરાયેલી કુહાડી (ફરસી) તેમના હાથ સાથે ચોંટી ગઈ હતી. અનેક તીર્થોમાં ભટક્યા બાદ, જ્યારે તેમણે આ કુંડમાં સ્નાન કર્યું, ત્યારે કુહાડી તેમના હાથમાંથી છૂટી ગઈ અને તેઓ પાપમુક્ત થયા. ત્યારથી આ સ્થળનું નામ ‘પરશુરામ કુંડ’ પડ્યું છે.

મકરસંક્રાંતિ પર ભરાતો ભવ્ય મેળો
દર વર્ષે ૧૪ જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના પવિત્ર અવસરે અહીં ‘પરશુરામ કુંડ મેળો’ આયોજિત થાય છે. આ સમયે કડકડતી ઠંડી હોવા છતાં, હજારોની સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ લોહિત નદીમાં પવિત્ર ડૂબકી લગાવવા ઉમટી પડે છે. લોકવાયકા છે કે આ દિવસે અહીં સ્નાન કરવાનું મહત્વ ગંગા સ્નાન જેટલું જ પવિત્ર માનવામાં આવે છે.
કેન્દ્ર સરકારનો ‘પ્રસાદ’ (PRASHAD) પ્રોજેક્ટ
ભારત સરકારના પર્યટન મંત્રાલયે આ સ્થળના વિકાસ માટે ‘પ્રસાદ’ યોજના હેઠળ કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ:
-
શ્રદ્ધાળુઓ માટે નદી સુધી પહોંચવા માટે આધુનિક સીડીઓનું નિર્માણ.
-
વ્યુ-પોઈન્ટ્સ અને પ્રવાસી સુવિધા કેન્દ્રો.
-
લોહિત નદીના કિનારે રિવર પ્રોટેક્શન અને ઘાટનો વિકાસ કરવામાં આવ્યો છે.
કેવી રીતે પહોંચવું?
-
હવાઈ માર્ગ: નજીકનું એરપોર્ટ તેઝુ (Tezu) અને દિબ્રુગઢ છે.
-
રેલ માર્ગ: આસામનું તિનસુખિયા રેલવે સ્ટેશન સૌથી નજીકનું મુખ્ય જંક્શન છે.
-
પરવાનગી: યાદ રાખવું કે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશવા માટે ભારતીય પ્રવાસીઓએ ‘ઇનર લાઇન પરમિટ’ (ILP) મેળવવી ફરજિયાત છે.
