માતાના પ્રેમીને પુત્રે તલવારના ઘા મારીને હત્યાની કોશિશ કરી
અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યના દેત્રોજમાં આવેલા એક ગામમાં યુવક પર તલવારથી જીવલેણ હુમલો કરીને હત્યાની કોશિષ કરી હોવાનો બનાવ બનવા પામ્યો છે. યુવક કુદરતી હાજતે જઇને ઘરે જઇ રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેની પ્રેમિકાનો પુત્ર મળ્યો હતો. તેણે માતા સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે તેમ કહીને તલવાર લઇ આવીને યુવક પર જીવલેણ હુમલો કર્યાે હતો. લોહીલુહાણ હાલતમાં ફસાયેલા યુવકને લોકોએ તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો.
બીજીબાજુ દેત્રોજ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દેત્રોજમાં રહેતો ૪૮ વર્ષીય યુવક એક પેકેજીંગ કંપનીમાં નોકરી કરે છે. આ યુવકને બે વર્ષથી ગામમાં જ રહેતી એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ છે.
મહિલાના પરિવારના સભ્યોને આ સંબંધની જાણ થતાં બંને પક્ષે લાંબા સમયથી મનદુઃખ ચાલે છે. તેવામાં બે દિવસ પહેલા યુવક ગામના તળાવે કુદરતી હાજતે ગયો હતો અને ત્યાંથી યુવક ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં પ્રેમિકાનો પુત્ર ઘરની બહાર ઊભો હતો.
યુવકને જોઇને પ્રેમિકાનો પુત્ર ઘરમાંથી તલવાર લઇ આવ્યો અને મારી માતા સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે, આજે તો તને મારી નાખીશ તેમ કહીને માથામાં તલવારનો ઘા મારી દીધો હતો. તલવારનો ઘા વાગતા યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. તે જ સમયે તલવારનો બીજો ઘા મારવા જતા યુવકે હાથની આડાશ કરતા તેને હાથમાં તલવાર વાગી ગઇ હતી.
યુવકે બૂમાબૂમ કરતા તેના પરિવારના સભ્યો સહિતના લોકો દોડી આવ્યા હતા. યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડ્યો હતો. બીજીતરફ પોલીસને જાણ કરાતા દેત્રોજ પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS
