પોષણ તથા આરોગ્ય પ્રત્યે પતંગોત્સવના માધ્યમથી બાળકો, કિશોરીઓ અને માતાઓમાં જાગૃતિ લવાશે
ગુજરાતના આકાશમાં ગુંજશે પોષણનો સંદેશ: મકરસંક્રાંતિ નિમિત્તે રાજ્યભરમાં ઉજવાઈ રહ્યો છે ‘પોષણ ઉડાન – ૨૦૨૬‘
પૌષ્ટિક ચિકી, શ્રી અન્ન વાનગીઓ અને હેલ્થ ચેકઅપ દ્વારા ઉત્તરાયણ બનશે વધુ તંદુરસ્ત
અમદાવાદ, ગુજરાતમાં ૧૪મી જાન્યુઆરી, મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૨ અને ૧૩ જાન્યુઆરી દરમિયાન ‘પોષણ ઉડાન – ૨૦૨૬’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત પતંગોત્સવના માધ્યમથી પોષણ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે.
મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં બે દિવસ દરમિયાન રાજ્ય, ઝોન, જિલ્લા, ઘટક અને આંગણવાડી કેન્દ્ર કક્ષાએ આઈસીડીએસ અંતર્ગત વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.
પોષણ ઉડાન-૨૦૨૬ હેઠળ બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ, સ્થાનિક શાળાઓ, એનજીઓ, સમુદાયના આગેવાનો જન ભાગીદારીથી જોડાશે. આ કાર્યક્રમ અંતર્ગત આહારમાં વિવિધતા, જંક ફૂડનો ત્યાગ, કિશોરીઓમાં એનીમિયા નિવારણ, સ્વચ્છતા અને શુદ્ધ પીવાનું પાણી જેવા વિષયો પર ભાર મૂકવામાં આવશે.
કાર્યક્રમ અંતર્ગત નક્કી કરવામાં આવેલી થીમ અંગે પતંગ બનાવવાની સ્પર્ધા, પોષણ અને આરોગ્યલક્ષી સૂત્રો લખવાની સ્પર્ધા તથા કિશોરીઓ માટે ક્વિઝ અને રમત-ગમતની પ્રવૃત્તિઓ, શિયાળાની પૌષ્ટિક વાનગીઓ, “સરગવો” સુપર ફૂડનું મહત્વ, ટેક હોમ રાશન-THR અને મિલેટ્સ-શ્રી અન્નમાંથી બનતી વાનગીઓનું નિદર્શન જેવા કાર્યક્રમો યોજાયા હતા.
આ ઉપરાંત સગર્ભા-ધાત્રી માતાઓ અને બાળકો માટે હિમોગ્લોબિન તપાસ, આઈ.એફ.એ. ગોળી વિતરણ અને બી.એમ.આઈ માપણી સાથે પોષણ પરામર્શ કરાયો હતો.
આંગણવાડી કેન્દ્રો પર નોંધાયેલા તમામ લાભાર્થીઓને રંગબેરંગી પતંગો અને દોરીની ભેટ આપવામાં આવી હતી. પારંપરિક રીતે બરછટ અનાજ, સીંગદાણા, તલ અને મમરાની પૌષ્ટિક ચિકીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મકરસંક્રાતિના દિવસે લાભાર્થીઓ દ્વારા પતંગો પર પોષણ અને આરોગ્યલક્ષી સૂત્રો જેવા કે લખીને આકાશમાં જનજાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવશે.
પતંગોત્સવ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ દુક્કલનો ઉપયોગ ટાળવા તેમજ ઈજાઓ રોકવા માટે જરૂરી સાવચેતી રાખવા પણ રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. આમ, રાજ્ય સરકાર દ્વારા મકરસંક્રાંતિના તહેવારને ‘પોષણ ઉડાન’ દ્વારા આનંદ અને ઉત્સાહ સાથે તંદુરસ્ત ગુજરાતના નિર્માણ તરીકે ઉજવવામાં આવશે.
