ગુજરાત ટાઇટન્સ ગુજરાતના પાંચ શહેરોમાં જુનિયર ટાઇટન્સની ત્રીજી એડિશન રજૂ કરશે,
સ્પોર્ટ્સ અને આઉટડોર એક્ટિવિટીઝમાં ભાગ લેવા માટે બાળકોને પ્રોત્સાહિત કરશે
અમદાવાદ, 13 જાન્યુઆરી, 2026 – ગુજરાત ટાઇટન્સ તેની પાયાના સ્તરની મુખ્ય પહેલ જુનિયર ટાઇટન્સની ત્રીજી એડિશન ગુજરાતના પાંચ શહેરોમાં શરૂ કરવા માટે સજ્જ છે. આ પહેલ “લેટ્સ સ્પોર્ટ આઉટ!”ની ભાવના રજૂ કરે છે. 2026ની એડિશન છેલ્લા બે વર્ષમાં નાખવામાં આવેલા પાયા પર બનેલી છે, જેના હેઠળ રાજ્યના અનેક શહેરોમાં 10,000થી વધુ બાળકો સામૂહિકપણે જોડાયા છે. આ પહેલ નાના બાળકોમાં શારીરિક પ્રવૃત્તિ, ઘરની બહાર રમવા અને રમતગમતના ઉત્સાહને પ્રોત્સાહન આપવાની ફ્રેન્ચાઇઝની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
2024માં તેની શરૂઆત થઈ ત્યારથી જુનિયર ટાઇટન્સની એક વિવિધ શહેરો માટેના એક પાયાના સ્તરના પ્રોગ્રામ તરીકે કલ્પના કરવામાં આવી છે, જેનો સ્પષ્ટ હેતુ સમગ્ર ગુજરાતના બાળકો અને સમુદાયો સુધી પહોંચવાનો છે. પ્રથમ એડિશનમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભુજમાં એક્ટિવેશન્સ કરવામાં આવ્યા હતા, જેનું સમાપન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 100થી વધુ શાળાઓના 14 વર્ષથી ઓછી ઉંમરના 5,000થી વધુ બાળકો સામેલ થયા હતા. 2025માં બીજી એડિશન જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, પાલનપુર અને અમદાવાદમાં કાર્યક્રમો સાથે રાજ્યભરમાં આગળ વધી હતી, જેમાં ફરી એકવાર 100થી વધુ શાળાઓના 5,000થી વધુ બાળકો સામેલ થયા હતા. દર વર્ષે આ પહેલ નવા શહેરોનો પ્રવાસ કરે છે, જેના કારણે ગુજરાત ટાઇટન્સ ગુજરાતના વિવિધ ભાગોમાં સમુદાયો સાથે તેના જોડાણને વધુ ગાઢ બનાવવા સક્ષમ બની છે.
ત્રીજી એડિશન અમદાવાદથી આગળ વધીને અર્થપૂર્ણ સમુદાય જોડાણ પર નવેસરથી ભાર મૂકે છે. તે આ પહેલને રાજ્યના અન્ય વિસ્તારોમાં અને ફ્રેન્ચાઇઝી ગર્વથી જેનું પ્રતિનિધિત્વ કરે છે તેવા સમુદાયોની નજીક લઈ જાય છે. બાળકોને રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા સાથે, જુનિયર ટાઇટન્સ પરિવારો અને સ્થાનિક સમુદાયોને ગુજરાત ટાઇટન્સ બ્રાન્ડ અને તેના સિદ્ધાંતો સાથે જોડાવાની તક પૂરી પાડે છે. મનોરંજનપૂર્ણ, સમાવેશક રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા, આ પ્રોગ્રામ સ્વાભાવિક રીતે ટીમવર્ક, દ્રઢતા અને સ્થિતિસ્થાપકતા જેવા મૂલ્યોનું સિંચન કરે છે તથા રમતોનો શીખવા અને વિકાસ માટેના એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉપયોગ કરે છે.
ત્રીજી એડિશન 17 જાન્યુઆરી, શનિવારના રોજ સુરેન્દ્રનગરમાં કેમ્બ્રિજ સ્કૂલ ઓફ એક્સીલન્સ ખાતેથી શરૂ થશે. ત્યારબાદ આ પ્રોગ્રામ દર શનિવારે એક નવા શહેરમાં યોજાશે જેના અંતર્ગત મોરબી (24 જાન્યુઆરી), અમરેલી (31 જાન્યુઆરી) અને આણંદ (7 ફેબ્રુઆરી)માં પહોંચશે અને 14 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં સમાપ્ત થશે. આ પહેલનો ઉદ્દેશ્ય આ સ્થળોએ સેંકડો બાળકોને એકસાથે લાવવાનો તથા તેમને નાનપણથી જ બહાર જવા, રમવા અને રમતગમતમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો છે. આ ફોર્મેટ બિન-સ્પર્ધાત્મક છે, જે ભાગીદારી, સમાવેશકતા અને સક્રિય રહેવાના આનંદને પ્રાથમિકતા આપે છે.
લોન્ચિંગ પૂર્વે ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે, “જુનિયર ટાઇટન્સની છેલ્લી બે એડિશનમાં અમે પ્રત્યક્ષ રીતે જોયું છે કે રમતો ગુજરાતભરના બાળકો, પરિવારો અને સ્થાનિક સમુદાયો સાથે કેટલી ગહન રીતે જોડાઈ શકે છે. આ પહેલ સ્પર્ધા કે પરિણામો વિશે નથી, પરંતુ ભાગીદારી, આનંદ અને સહિયારા અનુભવો વિશે છે તથા સ્ટેડિયમની બહાર ટાઇટન્સની નૈતિકતાને જીવંત બનાવવા વિશે છે.
આ વર્ષે અમે જુનિયર ટાઇટન્સને નવા શહેરોમાં લઈ જઈ રહ્યા છીએ ત્યારે અમારો ઉદ્દેશ્ય બાળકોને બહાર જવા અને રમવા માટે પ્રેરિત કરવાનો તથા ગુજરાતભરના સમુદાયો સાથે અમારા સંબંધોને વધુ વિકસિત કરવાનો છે.”
‘લેટ્સ સ્પોર્ટ આઉટ!’ ની ભાવનાને સમાવતા ‘જુનિયર ટાઇટન્સ’ અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝી માટે સમગ્ર ગુજરાતમાં અર્થપૂર્ણ સામુદાયિક જોડાણ બનાવવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. શહેરવાર સ્થળો વિશે વધુ વિગતો ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.
