એસઆઈઆરમાં વિસંગતતા હોય તેવા મતદારોની યાદી ઈસી જાહેર કરે: સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી આયોગને નિર્દેશ આપ્યો કે વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી વિશેષ ગહન પુનઃ સમીક્ષા દરમિયાન ‘તાર્કિક વિસંગતતાઓ’ની યાદીમાં સમાવિષ્ટ વ્યક્તિઓના નામ ગ્રામ પંચાયત ભવનો અને બ્લોક કચેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવે. આ સ્થળોએ જ સંબંધિત દસ્તાવેજો અને વાંધાઓ રજૂ કરીને સુધારા કરી શકાશે તેવો આદેશ સર્વાેચ્ચ અદાલતે આવ્યો છે.
બિહારમાં એસઆઈઆર પૂર્ણ થયા બાદ આ પ્રક્રિયાનો બીજો તબક્કો છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત નવ રાજ્યોમાં તેમજ આંદામાન-નિકોબાર, લક્ષદ્વીપ અને પુડુચેરી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરાયો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની બેન્ચે ડીએમકે તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, અમિત આનંદ તિવારી અને વકીલ વિવેક સિંહની દલીલો સાંભળી.
તેમણે દલીલ કરી હતી કે તાજેતરમાં ચૂંટણી છે તેવા તમિલનાડુમાં ‘તાર્કિક વિસંગતતાઓ’ યાદીમાં મૂકાયેલા મતદારોને મતદાર યાદીમાં સમાવેશ માટે પૂરતો સમય અને તક આપવી જોઈએ.અદાલતે નોંધ્યું કે ચૂંટણી પંચે આપેલી નોટિસો મુખ્યત્વે ત્રણ શ્રેણીમાં વહેંચાયેલી છે.
મેપ્ડ, અનમેપ્ડ અને લોજિકલ ડિસ્ક્રેપન્સી. લોજિકલ ડિસ્ક્રેપન્સી હેઠળ પિતાના નામમાં ભિન્નતા, માતા-પિતાની ઉંમરમાં તફાવત, માતા-પિતાની ઉંમરમાં ૫૦ વર્ષથી વધુનો ફરક, દાદા-દાદીની ઉંમરમાં ૪૦ વર્ષથી ઓછો તફાવત અને છથી વધુ સંતાનો જેવા મુદ્દાઓ સામેલ છે.
અદાલતે આ યાદીમાં સમાવિષ્ટ લોકોને સહાય મળે તે માટે નિર્દેશ આપ્યો કે તેમના નામો ગ્રામ પંચાયત ભવન, દરેક તાલુકાના જાહેર સ્થળો અને શહેરી વિસ્તારોમાં વોર્ડ કચેરીઓમાં દર્શાવવામાં આવે. અસરગ્રસ્ત વ્યક્તિઓ તેમના અધિકૃત પ્રતિનિધિ મારફતે પણ દસ્તાવેજો અથવા વાંધાઓ રજૂ કરી શકશે.SS1MS
