Western Times News

Gujarati News

‘લોકો કામ કરવા માગતા નથી, કારણ કે રાજ્ય સરકારો તેમને મફત રેશન આપી રહ્યા છોઃ સુપ્રીમ કોર્ટ

પ્રતિકાત્મક

રાજય સરકારો પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમઃ મફતની રેવડીઓ નહીં લોકોને રોજગાર આપો

ભોજન અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો બાદ હવે રાજ્યો સીધા રોકડ ટ્રાન્સફર કરવા લાગ્યા છે, જે ચિંતાજનક છે

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફ્રીબીઝ કલ્ચર (મફતની રેવડીઓ) પર કહ્યું હતું કે જો સરકાર લોકોને સવારથી સાંજ સુધી મફત ભોજન, ગેસ અને વીજળી આપતી રહેશે તો લોકો કામ શા માટે કરશે. આ રીતે તો આપણે વર્કકલ્ચરને ખતમ કરી રહ્યા છીએ. દેશમાં આ શું થઈ રહ્યું છે.

કોર્ટે કહ્યું હતું કે ગરીબોને મદદ કરવી સમજમાં આવે છે, પરંતુ ભેદભાવ વગર બધાને મફત સુવિધા આપવી યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી તામિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડની અરજી પર સુનાવણી કરતા કરી, જેમાં ગ્રાહકોની નાણાકીય સ્થિતિની પરવા કર્યા વિના બધાને મફત વીજળી આપવાનો પ્રસ્તાવ હતો.

જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચે કહ્યું હતું કે દેશનાં મોટા ભાગનાં રાજ્યો મહેસૂલી ખાધમાં છે અને તેમ છતાં તેઓ વિકાસને અવગણીને આવી ફ્રીબીઝ આપી રહ્યાં છે.

સીજેઆઈએ નીચેના ત્રણ સવાલો પુછયા હતાં જેમાં (૧) તમારે લોકો માટે રોજગારના રસ્તા બનાવવા જોઈએ, જેથી તેઓ કમાણી કરી શકે અને પોતાની ઇજ્જત અને આત્મસન્માન જાળવી શકે. જ્યારે તેમને એક જ જગ્યાએથી બધું મફત મળી જશે તો લોકો કામ શા માટે કરશે? શું આપણે આવો જ દેશ બનાવવા માગીએ છીએ?

(ર) ચૂંટણીની આસપાસ યોજનાઓ શા માટે જાહેર કરવામાં આવે છે? હવે સમય આવી ગયો છે કે તમામ રાજકીય પક્ષો, નેતાઓ ફરીથી વિચારે. જો આપણે આ રીતે ઉદારતા બતાવતા રહીશું તો આપણે દેશના વિકાસમાં અવરોધ ઊભો કરીશું. એક સંતુલન હોવું જોઈએ. આવું ક્યાં સુધી ચાલશે?

(૩) આપણે ભારતમાં કેવી સંસ્કૃતિ વિકસાવી રહ્યા છીએ? એ સમજાય છે કે કલ્યાણકારી યોજના હેઠળ તમે એવા લોકોને રાહત આપો જેઓ વીજળીનું બિલ ચૂકવી શકતા નથી, પરંતુ જે લોકો ચૂકવવા સક્ષમ છે અને જેઓ નથી તેમની વચ્ચે કોઈ ફરક કર્યા વિના મફત સુવિધા આપવી શું તુષ્ટીકરણની નીતિ નથી?”નો સમાવેશ થાય છે
સુપ્રીમ કોર્ટ તામિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશનની અરજી પર સુનાવણી કરી રહ્યું હતું. કંપનીએ ૨૦૨૪ના વિદ્યુત સુધારા નિયમોના નિયમ ૨૩ને પડકાર્યો છે. તેમાં ગ્રાહકોની આર્થિક સ્થિતિની પરવા કર્યા વિના સૌને મફત વીજળી આપવાનો પ્રસ્તાવ છે.

રાજ્ય સરકાર ઘરેલું ગ્રાહકોને દર બે મહિને લગભગ ૧૦૦ યુનિટ સુધી મફત વીજળી આપે છે, કોઈપણ શરત વિના એટલે કે ગ્રાહક ગમે તેટલો ખર્ચ કરે, પ્રથમ ૧૦૦ યુનિટ માટે બિલ ચૂકવવું પડતું નથી.

કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષોને નોટિસ જાહેર કરી છે. કોર્ટે એ પણ પૂછ્યું કે વીજળી દરોની જાહેરાત પછી તમિલનાડુની કંપનીએ અચાનક મફત વીજળી આપવાનો નિર્ણય શા માટે કર્યો.

મફત રેશન વહેંચવા પર સુપ્રીમ કોર્ટના અગાઉનાં નિવેદનો –આ પહેલીવાર નથી જ્યારે કોર્ટે મફત યોજનાઓ (ફ્રીબીઝ) અંગે કડક ટિપ્પણી કરી હોય. આ પહેલાં સુપ્રીમ કોર્ટે ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ કહ્યું હતું કે ‘લોકો કામ કરવા માગતા નથી, કારણ કે તમે તેમને મફત રેશન આપી રહ્યા છો. કંઈપણ કર્યા વિના તેમને પૈસા આપી રહ્યા છો.’

કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે આ લોકોને સમાજની મુખ્ય ધારામાં જોડવાને બદલે શું તમે મફતની યોજનાઓ લાગુ કરીને પરોપજીવીઓનો સમુદાય ઊભો નથી કરી રહ્યા?
એે જ સમયે ૯ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ પણ કેન્દ્ર સરકાર દ્વારા મફત રેશન વહેંચવા પર સખત ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ક્યાં સુધી આમ મફત રાશન વહેંચવામાં આવશે.

સરકાર રોજગારીની તકો શા માટે ઊભી નથી કરી રહી? ત્યારે કોર્ટ અકુશળ મજૂરોને મફત રેશન કાર્ડ આપવા સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન કેન્દ્રએ અદાલતને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ હેઠળ ૮૧ કરોડ લોકોને મફત અથવા રાહત દરે રેશન આપવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.