Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન 6 પ્લોટના વેચાણ કરી રૂ. 528 કરોડની આવક કરશે

AI Image

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં થલતેજ, બોડકદેવ, નવા વાડજ, ચાંદખેડા અને મોટેરા  સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 6 પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરવાનો નિર્ણય AMC સ્ટેન્ડિંગ કમિટીએ લીધો છે. આ પ્લોટના વેચાણથી રૂ. 528 કરોડ જેટલી આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થાય તેવી શક્યતાઓ છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ જે કોમર્શિયલ અને રેસીડેન્સિયલ હેતુ બંને માટે હોય છે તેના વેચાણથી કરોડો રૂપિયાની આવક ઊભી થઈ શકે તેમ છે. જેમાં નાના પ્લોટો વેચાણ કરી આવક ઊભી કરવા માટેની સૂચનાને પગલે પશ્ચિમ વિસ્તારમાં આવેલા 14 જેટલા પ્લોટોને વેચાણ પૈકી નવ જેટલા પ્લોટનું વેલ્યુશન કરવામાં આવ્યું છે.

ડિસ્પોઝલ ઓફ લેન્ડ અધર પ્રોપર્ટી અંતર્ગત આવનાર રચિત કમિટી દ્વારા 6 પ્લોટ વેચાણ કરવા માટે તળિયાની કિંમતો નક્કી કરવામાં આવી છે અને જે મુજબ ભાવ નક્કી કરીને પ્લોટને જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવશે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા થલતેજ, બોડકદેવ, મોટેરા, ચાંદખેડા નવા વાડજ વિસ્તારના કુલ છ જેટલા પ્લોટો વેચાણ કરવામાં આવશે જેના માટે પ્રતિ ચોરસ મીટરના 1.63 લાખથી 2.90 લાખ રૂપિયાનો ભાવ મૂકવામાં આવ્યો છે છ પ્લોટના વેચાણથી અંદાજિત 528 કરોડ જેટલી આવક ઊભી થઈ શકે છે.

અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસીડેન્સીયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતાં હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટનું વેચાણ કરી 1000 કરોડથી વધુની આવક ઊભી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.