Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. શાળાના ૧ લાખ ૭૦ હજાર વિદ્યાર્થીઓને બૂટ મોજા આપવામાં આવશે

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં મ્યુનિ. શાળાઓના બાળકોને બુટ-મોજા આપવા માટે રૂ.પ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેનો હવે નીતિ નિયમ મુજબ અમલ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીની સુચનાથી અમદાવાદ જિલ્લા હસ્તકની ૯ શાળાઓનો સમાવેશ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કરવામાં આવશે.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ચેરમેન ડો.સુજય મહેતાના જણાવ્યા મુજબ શિક્ષણ સમિતિની ૪૫૩ મ્યુનિ. શાળાઓમાં ૧,૭૨,૫૭૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના બજેટમાંથી રૂપિયા ૫ (પાંચ) કરોડની જોગવાઈ કરવામાં આવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નીતિ નિયમો મુજબની પ્રક્રિયા પૂર્ણ કરી ૧,૭૦,૦૦૦ વિદ્યાર્થીઓને બૂટ મોજા આપવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા વિદ્યાર્થીઓ માટે બૂટ મોજાની વ્યવસ્થા કરવાથી વિદ્યાર્થીઓના વાલીઓ પર આર્થિક ભારણ ઘટશે અને વિદ્યાર્થીઓને બૂટ મોજાં મળશે. સ્કૂલ બોર્ડની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા સ્કૂલ બોર્ડદ્વારા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શતાબ્દી મહોત્સવના ભાગરૂપે ૧૦૦ શ્રેષ્ઠ અનુપમ શાળાઓ અને ૧૦૦ શ્રેષ્ઠ સદીના સિતારા શિક્ષકોને માન. મુખ્યમંત્રીના હસ્તે ચેક, મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે

તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નવિન ભવન પણ તૈયાર થઇ ગયું છે,ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની ૬ (છ) પ્રાથમિક શાળા ઘુમા પ્રાથમિક શાળા, બોપલ પ્રાથમિક શાળા, કઠવાડા પ્રાથમિક શાળા, બી.એલ.મહેતા કઠવાડા મેઇજ પ્રાથમિક શાળા, ઝવેરી ડેરી ફાર્મ પ્રાથમિક શાળા,

અને હુડકો પ્રાથમિક તથા ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની ૩ (ત્રણ) પ્રાથમિક શાળા ચિલોડા બારૈયા કુમાર પ્રાથમિક શાળા, ચિલોડા બારૈયા કન્યા પ્રાથમિક શાળા અને ગોપાલનનગર પ્રાથમિક શાળા એમ કુલ ૯ (નવ) જેટલી પ્રાથમિક શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ હસ્તાંતરિત કરવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેનું અમલીકરણ આગામી ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.