સનાથલથી ગાંધીનગર સુધી ૩૦ કિમી રોડનું નવિનીકરણ થશેઃ દેવાંગ દાણી
પ્રતિકાત્મક
મહાનગરપાલિકાના પાંચ પ્લોટના ઓક્શનને મંજૂરી, રૂ.૫૨૮ કરોડની બેઝ વેલ્યૂ નક્કી કરાઈ
અમદાવાદ (પ્રતિનિધિ)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીમાં એસ.જી.હાઇવેના ડેવલપમેન્ટ અને પ્લોટ ના ઈ-ઓક્શનના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે,આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ અમદાવાદ મહાનગરમાં યોજાવવા માટે જઈ રહી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારત સરકારના ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ હરણફાળ પ્રગતિ કરી છે અને વૈશ્વિક કક્ષાએ આ સિટીએ નામના મેળવી છે.
અમદાવાદની ઓળખ સમાન એસ.જી હાઈવેને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-૭ સર્કલ સુધીનો આખો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ ૩૦ કિમીનો રોડ છે, જેને એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ જે રીતે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, ગાંધીનગર મહાનગરપાલિકા સંયુકત રીતે બનાવશે.
જેનું ડેવલપમેન્ટ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે અને કન્સલટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. પરિણામે આવનારા સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ, ગઝીબો, ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો એવો નવતર ૩૦ કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે.
ટીપી ફાઈનલ થાય ત્યારે મહાનગરપાલિકાને સેલ્ફ ફોર કોમર્શિયલ અને સેલ્ફ ફોર રેસિડેન્સના પ્લોટ પ્રાપ્ત થતા હોય છે.આ પ્લોટ દ્વારા મહાનગરપાલિકાએ વિસ્તારના વિકાસના કામો આપણે સતત કરતા રહેતા હોય છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર અલગ-અલગ વિસ્તાર જેમ કે, મોટેરા હોય, ચાંદખેડા, નવા વાડજ, થલતેજ, બોડકદેવ આ વિસ્તારના પાંચ પ્લોટ ઓક્શન કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
જેની બેઝ વેલ્યૂ રૂ.૫૨૮ કરોડ જેટલી મૂકવામાં આવી છે. મહાનગરપાલિકાની અંદર અલગ-અલગ વિસ્તારમાં સ્માર્ટ ટોયલેટ ઉભા કરવામાં આવેલા છે. પરિણામે સિનિયર સિટીઝન લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. પરંતું, કેટલીકવાર જ્યારે છૂટા સિક્કા અંદર નાંખવાના હોય ત્યારે તકલીફ ઉભી થતી હોય છે.
જેના પરિણામે ઊઇ કોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આમ, ટેક્નોલોજીના ઉપયોગથી કોઈન્સની માથાકૂટમાંથી છૂટકારો મળે એટલા માટે આવનારા સમયમાં મહાનગરપાલિકાના જેટલા પણ સ્માર્ટ ટોયલેટ છે ત્યાં ઊઇ કોડનો ઉપયોગ કરી શકાશે.
