અમદાવાદમાં ચંદ્રનગર BRTS કોરીડોરમાં ગૌવંશ ભરેલી કારનો અકસ્માત
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, શહેરના વાસણા વિસ્તારમાં ચંદ્રનગર બીઆરટીએસ કોરીડોરમાં ગૌવંશ ભરેલી પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બીઆરટીએસ ટ્રેકના દરવાજા, લાઈટના પોલ અને ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માત બાદ કાર ઊભી રહી ગઈ હતી અને એરબેગ ખુલી ગઈ હતી. જેમાં કારમાંથી ત્રણ શખસ ભાગી ગયા હતા જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. લોકોએ કારમાં જોતા ગૌવંશ હતું, જેથી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરમાં વાસણા વિસ્તારમાં આવેલા ચંદ્રનગર બીઆરટીએસ ટ્રેકમાં ગત મોડી રાતે જોરદાર અકસ્માત થયો હતો. ગૌવંશ લઇને જતી કારના ચાલકે બેફામ સ્પીડે બીઆરટીએસ ટ્રેકમાં કાર દોડાવતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.
કાર લગભગ ૧૦૦થી વધારેની સ્પીડમાં હતી, પૂર ઝડપે કાર ચંદ્રનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડનો દરવાજો તોડી લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ડિવાઈડરને પણ નુકસાન થયું હતું. અકસ્માત થતાની સાથે જ કાર ઊભી રહી ગઈ હતી. અકસ્માતનો અવાજ આવતાની સાથે જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
ગાડીમાં જોતા ખૂબ જ ખરાબ હાલતમાં ચાર જેટલા ગૌવંશ ખીચોખીચ રીતે ભરી રાખવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાયેલી ગાડીમાંથી ઉતરીને ત્રણ લોકો ભાગી ગયા હતા. જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો. આ ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
