શુગર મિલમાં વધુ નફાની લાલચમાં માણસા GIDCના વેપારીએ એક કરોડ ગુમાવ્યા
પ્રતિકાત્મક
ગાંધીનગર જીઆઈડીસીમાં ઉત્તરાખંડના મિલ માલિક અને મેનેજર સામે ફરિયાદ
ગાંધીનગર, શુગર મિલમાં વધુ નફો થવાની લાલચમાં આવી ગયેલા ગાંધીનગર જિલ્લાના માણસા ખાતેના વેપારીએ રૂપિયા ૧ કરોડ ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ઉત્તરાખંડ સ્થિત એક શુગર મિલના માલિક અને જનરલ મેનેજરે મોલાસીસનો જથ્થો પુરો પાડવાના બહાને માણસાના વેપારી પાસેથી કરોડ રૂપિયા મેળવી માલ કે નાણાં પરત નહી આપી હાથ અધ્ધર કરી લીધા હોવા અંગે ગાંધીનગર જીઆઈડીસીમાં નોંધાયેલી ફરિયાદના આધારે ઉત્તરાખંડના મિલ માલિક અને મેનેજર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
માણસા જીઆઈડીસીમાં ગુજરાત એગ્રીકો ટ્રેડિંગ પેઢી ચલાવતા અમરતભાઈ વેલજીભાઈ ચૌધરીએ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. અમરતભાઈને તેમના મહેસાણા સ્થિત વેપારી મિત્ર કમલેશભાઈ ભાવસારે તેમને ઉત્તરાખંડની ધનશ્રી એગ્રો પ્રોડકટ પ્રા. લી. શુગર મિલમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેવી લાલચ આપી હતી.
તે પછી ડિસેમ્બર ર૦ર૪માં દિલ્હીની હોટલમાં કમલેશ ભાવસાર અને મિલના માલિક શ્રેયા સહાની વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠકમાં રપ૦૦ મેટ્રિક ટન મોલાસીસ ૯૦૦૦ પ્રતિ ટનના ભાવે ખરીદવાનો સોદો નકકી કરવામાં આવ્યો હતો. સદાના ભાગરૂપે આરોપીઓએ એડવાન્સ ડિપોઝિટ તરીકે ૧.રપ કરોડની માંગણી કરી હતી.
આ સોદા અંગે વિશ્વાસ કેળવવા આરોપીઓએ ૧૦૦ના સ્ટેમ્પ પેપર પર જનરલ મેનેજર અરુણકુમાર ભાટીની સહી સાથેનો એક સમજુતી કરાર વોટસએપ પર મોકલી આપ્યો હતો. તેના ઉપર વિશ્વાસ રાખીને અમરતભાઈએ મિલના પંજાબ નેશનલ બેંકના ખાતામાં ૧.૧૦ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.
જોકે નાણાં મેળવ્યા બાદ આરોપીઓએ કરાર મુજબનો માલ પુરો પાડયો ન હોતો. જયારે અમરતભાઈએ નાણાંની ઉઘરાણી કરી ત્યારે સમાધાન પેટે આપવામાં આવેલો ૧.૧૦ કરોડનો ચેક પણ બેંકમાં બાઉન્સ થયો હતો. આ બાબતે અમરતભાઈની ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ઝોને મિલના માલિક શ્રેયા સહાની અને જનરલ મેનેજર અરુણકુમાર ભાટી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
