જનહિતના કાર્યોમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં નહીં આવે: ગાંધીનગર કલેકટર
ગાંધીનગર કલેક્ટરે ઝુંડાલ ખાતે આકસ્મિક મુલાકાત લઈ વ્યવસ્થા ચકાસી
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે. દવે દ્વારા ઝુંડાલ ખાતે વિવિધ સરકારી એકમોની આકસ્મિક મુલાકાત લઈ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત કલેકટરે વાજબી ભાવની દુકાનની મુલાકાત લઈ અનાજના જથ્થાની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરી હતી.
કાર્ડધારકોને નિયત જથ્થો સમયસર મળે છે કે નહી તેની ખાતરી કરવા માટે સ્ટોક રજિસ્ટર અને ઓનલાઈન ડેટાની પણ તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત કલેકટર દ્વારા ઝુંડાલ સ્થિત પી.એચ.સી. સેન્ટર ખાતે આરોગ્ય સેવાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં દવાનો સ્ટોક, હાજરી પત્રક અને દર્દીઓને અપાતી સારવારની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી હતી.
કલેકટરે જણાવ્યું હતું કે, આકસ્મિક મુલાકાતો તથા તપાસનો મુખ્ય ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે, રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી કોઈ પણ પ્રકારની વિલંબ કે ગેરરીતિ વગર, યોગ્ય રીતે અને સમયસર પહોંચે.
કલેકટરે અધિકારીઓને સૂચના આપતા વધુમાં ઉમેર્યું હતું કે, જનહિતના કાર્યોમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહી અને વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવામાં સહયોગ કરવા તેમણે કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. આ મુલાકાત અંતર્ગત કલેકટર સાથે ગાંધીનગર મામલતદાર મહેશ ગોહિલ પણ જોડાયા હતા.
