Western Times News

Gujarati News

ગાંધીનગરના નવ વિકસિત વિસ્તારોમાં ‘સ્માર્ટ’ હાઈટેક પોલ લગાવાશે

વિકસિત વિસ્તાર સર્વેલન્સ અને પર્યાવરણ સેન્સરથી સજ્જ થશે

ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના આધુનિકીકરણ અને નાગરિકોની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર સેકટર વિસ્તારો પૂરતી સીમિત રહેલી સ્માર્ટ સિસ્ટમનો વ્યાપ વધારીને હવે શહેરના નવ વિકસિત વિસ્તારોમાં પણ અત્યાધુનિક ‘સ્માર્ટ પોલ’ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેકટ દ્વારા ગાંધીનગર ડેટા આધારિત અને નાગરિક કેન્દ્રિત સ્માર્ટ સિટી બનવાની દિશામાં વધુ એક ડગલું આગળ વધશે.

આ નવનિર્મિત સ્માર્ટ પોલ મલ્ટિ- ફંકશનલ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં મુખ્યત્વે પર્યાવરણ મોનિટરિંગ સેન્સરનો સમાવેશ થાય છે. આ સેન્સર દ્વારા શહેરના વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર, તાપમાન, ભેજ અને અવાજ પ્રદૂષણ જેવા મહત્વના પરિબળોની રિયલ – ટાઈમ માહિતી એકત્ર કરવામાં આવશે.

આ ડેટા સીધો મહાનગરપાલિકાના સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સંકલિત થશે, જેના આધારે જાહેર આરોગ્ય અને પર્યાવરણ જાળવણી માટે તાત્કાલિક અને સચોટ નિર્ણયો લઈ શકાશે.

શહેરની કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક સંચાલનને વધુ ચુસ્ત બનાવવા માટે આ પોલ પર ઉચ્ચ ક્ષમતા ધરાવતા પેન-ટિલ્ટ-જૂમ કેમેરા સ્થાપિત કરવામાં આવશે. આ કેમેરાની મદદથી સંવેદનશીલ વિસ્તારો અને ટ્રાફિક જંકશન પર સતત નજર રાખી શકાશે.

આ ઉપરાંત પોલ પર લગાવવામાં આવનાર એલઈડી ડિસ્પ્લે બોર્ડ દ્વારા નાગરિકોને હવાની ગુણવત્તાનો આંક ટ્રાફિકની સ્થિતિ, હવામાનની આગાહી અને ઈમરજન્સી એલર્ટ જેવી અગત્યની માહિતી સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાશે. આ સમગ્ર પ્રોજેકટના અમલીકરણ અને આગામી પાંચ વર્ષ સુધી તેની જાળવણી માટે મહાનગરપાલિકા દ્વારા નિષ્ણાત એજન્સીની નિમણૂક કરવામાં આવશે.

પસંદગી પામનાર એજન્સીને માત્ર ટેકનિકલ માળખું જ ઉભું કરવાનું રહેશે નહી, પરંતુ પ્રોજેકટ મેનેજર, હાર્ડવેર અને નેટવર્ક એકસપર્ટ સહિતનો કુશળ ટેકનિકલ સ્ટાફ પણ પૂરો પાડવાનો રહેશે. આ સ્માર્ટ સિસ્ટમ કાર્યરત થવાથી ગાંધીનગરના નવા વિસ્તારોના રહેવાસીઓને વધુ સુરક્ષિત અને સુવિધાજનક શહેરી જીવનનો અનુભવ મળશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.