Western Times News

Gujarati News

મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યના MSME ઊદ્યોગ સાહસિકો માટે ૩૬૦ ડિગ્રી ચેઇન્જની પહેલ

રાજ્યના MSME ઊદ્યોગ સાહસિકોને સરળતાએ નાણાં ઊદ્યોગ સ્થાપના માટે મળી રહે તેવી પહેલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સાકાર થઇ છે. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગે રાષ્ટ્રિયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા સાથે આ અંગેના મહત્વપૂર્ણ MoU સંપન્ન કર્યા છે. હવે જે નવા ઊદ્યોગ સાહસિકો ગુજરાતમાં MSME એકમો સ્થાપવા માંગે છે તેમને સમયમર્યાદામાં વર્કિંગ કેપિટલ અને પ્રોજેકટ કોસ્ટ માટે નાણાં સહાય મળી રહેશે.

આ MoU પર ગુજરાત સરકાર વતી ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને બેન્ક વતી બેન્કના અમદાવાદ સર્કલના જનરલ મેનેજર શ્રી રમેશકુમાર અગ્રવાલે હસ્તાક્ષર કર્યા હતા. આ MoU અંતર્ગત MSME ઊદ્યોગ સાહસિકોના નવિન પ્રોજેકટ માટે નાણાં સહાય ઉપલબ્ધ કરાવવા માત્ર ૧૫ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે.

બેન્કને MSME પોર્ટલ પરથી કે જિલ્લા-રાજ્યકક્ષાની નોડલ એજન્સી તરફથી આવી નવા MSME માટેની અરજી મળતાં બેન્ક ૧પ દિવસમાં નાણાં સહાયની સૈદ્ધાંતિક પરવાનગી આપી દેશે.  સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાએ આ હેતુસર પ૪ જેટલી સ્પેશ્યલાઇઝડ MSME બ્રાન્ચ દ્વારા સ્ટાર્ટઅપ પ્રોજેકટમાં ફંડીંગ આપવા MoUમાં સહમતિ દર્શાવી છે.

ગુજરાતમાં સતત વધતા જતા ઔદ્યોગિક સહિત સર્વગ્રાહી વિકાસ તેમજ દેશભરમાં સૌથી વધુ રિકવરી રેઇટથી પ્રભાવિત થઇને એસ.બી.આઇ એ MSME સેકટરમાં વધુ સહાય-લોન પૂરી પાડવા આ MoU કર્યા છે. એસ.બી.આઇ.ના અધિકારીઓએ આ વેળાએ મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું કે, ગુજરાતમાં ગત વર્ષ કરતાં વધુ પ્રમાણમાં MSME એકમોએ લોન-સહાય માટે બેન્ક પાસે માંગ કરી છે. એટલું જ નહિ, અત્યાર સુધીનો બેન્કનો રાજ્યમાં આવી લોન-સહાય રિકવરીનો અનુભવ પણ ખૂબ જ સાનૂકુળ રહ્યો છે.

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં કરોડરજ્જુ સમાન MSME એકમોને ઊદ્યોગ શરૂ કરવા માટેની જરૂરી પરવાનગીઓ-મંજૂરીઓ લેવામાંથી ત્રણ વર્ષ માટે મુકિત આપવાનો ક્રાંતિકારી અભિગમ અપનાવેલો છે.

તદ્દઉપરાંત રાજ્યના ૩પ લાખથી વધુ MSME ઊદ્યોગોને સોલાર એનર્જી સૌરઊર્જાના ઉત્પાદન માટે પણ વિશેષ સવલતો આપતી પ્રોત્સાહક નીતિ જાહેર કરી છે.  હવે મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી રાજ્યમાં સર્વસમાવેશી એકશન પ્લાન MSME સેકટર માટે બેન્કો-નાણાં સંસ્થાઓમાંથી સહાય ઉપલબ્ધ કરાવવા રાજ્યના ઊદ્યોગ વિભાગે ઘડયો છે.

તદ્દઅનુસાર, ગ્રીન ફિલ્ડ પ્રોજેકટસ, સ્ટાર્ટઅપ તેમજ મહિલા ઊદ્યોગ સાહસિકો અને રાજ્યના બેકવર્ડ-પછાત વિસ્તારોમાં સ્થપાનારા MSME એકમોને આવી લોન સહાય માટે પ્રોત્સાહન અપાશે.  આવા એકમોને ઊદ્યોગ સ્થાપના માટે સરળતાએ નાણાં ઉપલબ્ધ કરાવવા રાષ્ટ્રિયકૃત બેન્ક સાથે MoU કરીને રાજ્યના MSME એકમો માટે ૩૬૦ ડિગ્રી સરળતા સાથે  ઊદ્યોગ સ્થાપના માટે નવું પ્રેરણા બળ રાજ્ય સરકારે પુરૂં પાડયું છે.

આ MoU સંપન્ન થવા અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઊદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા, MSME કમિશનર શ્રી રજિંથકુમાર, ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. નિલમ રાની તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના સી.જી.એમ. શ્રી દુખબંધુ રથ, જનરલ મેનેજર શ્રી પુરૂષોત્તમ બેડેકર, અરવિંદકુમાર તથા અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.