Western Times News

Gujarati News

કેવડિયા ખાતે ચાલતી કોયલા અને ખાણ મંત્રાલયની ચિંતન શિબિરમાં મંત્રીશ્રી પ્રલ્હાદ જોશી

રાજપીપલા, મંગળવાર :- કેવડિયા ખાતે ગઇકાલથી ચાલી રહેલી ભારત સરકારના કોલસા અને ખાણ મંત્રાલયની  દ્વિ-દિવસીય ચિંતન શિબિર પ્રસંગે આજે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીએ જણાવ્યું કે, તાપ વીજળીના ઉત્પાદન સહિત બળતણ તરીકે વિવિધ રીતે ઉપયોગમાં લેવાતા થર્મલ કોલસાની આયાત પર નાણાંકીય વર્ષ ૨૩-૨૪ સુધીમાં પૂર્ણ વિરામ મૂકીને દેશ આત્મનિર્ભર બનશે. બે દિવસની આ ચિંતન શિબિરમાં કોલસાના ક્ષેત્રને અવરોધરૂપ બાબતોના નિરાકરણ માટે અભિનવ ઉકેલોનો વ્યાપક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં કેન્દ્રીય કોલસા સચિવ શ્રી  અનીલકુમાર જૈન, કેન્દ્રીય ખાણ સચિવ શ્રી સુશીલકુમાર, કોલ ઈન્ડિયાના ચેરમેન શ્રી પ્રમોદ અગ્રવાલ,  SSCL ના ચેરમેન શ્રી એન. શ્રીધર, NLC ના ચેરમેન શ્રી રાકેશકુમાર, કોલ ઈન્ડિયાની આનુસંગિક  કંપનીઓના ચેરમેન-મેનેજીંગ ડિરેકટરશ્રીઓ તેમજ કેન્દ્રીય  કોલસા મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રી પ્રલ્હાદ જોશીએ માધ્યમો સાથેના સંવાદમાં ઉપર મુજબ જણાવતાં  તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાણાંકીય વર્ષ ૨૩-૨૪ સુધીમાં CIL ૧ બિલિયન ટન કોલસા ઉત્પાદનના આંકે પહોંચવાનું લક્ષ્ય રાખે છે. શિબિરમાં હિત ધારકો સાથે આ લક્ષ્ય સિદ્ધિની રૂપરેખા વિગતવાર ચર્ચવામાં આવી હતી. વધુમાં, સને ૨૦૩૦ સુધીમાં અનામત અને વ્યાપારિક ખાણોમાંથી વધુ પ્રમાણમાં કોયલના પરિવહનની બાબતમાં રેલવે અને શિપિંગ મંત્રાલયો સાથે CIL સંકલન કરે એવું નિર્ધારિત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શિબિરમાં કોલ સેક્ટરનું વિવિધિકરણ, CIL દ્વારા કોલસાની ખાણોના સ્થળે તાપ વિદ્યુત મથકોની સ્થાપના, સને ૨૩-૨૪ સુધીમાં ૫ ગીગાવોટ સૂર્ય ઉર્જાના ઉત્પાદનની સુવિધાની સ્થાપના, ૨૦૩૦ સુધીમાં ૫૦ મિલિયન ટન્સ  કોલસાના ગેસમાં રૂપાંતરણની ક્ષમતા કેળવવી જેવા , CIL ને સુસંકલિત બહુ ઉર્જા એકમ બનાવવાના વિકલ્પોનો શિબિરમાં સઘન વિચાર- વિમર્શ કરવામાં આવ્યો હોવાનો એમણે સંકેત આપ્યો હતો.

કેન્દ્રીય કોલસા અને ખાણ વિભાગના મંત્રીશ્રી  પ્રલ્હાદ  જોશીએ દ્વિ-દિવસીય ચિંતન શિબીરના બીજા દિવસે આજે સવારે કેવડીયા  કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૮૨ મીટર પ્રતિમાના દર્શન કરીને  ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ તેઓશ્રીએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો. તદ્ઉપરાંત  વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી.

તેઓશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ તેમણે નિહાળી હતી. ત્યારબાદ સરદાર સરોવર ડેમ અને વેલી ઓફ ફ્લાવર્સની પણ તેમણે મુલાકાત લઇ વિસ્તૃત જાણકારી મેળવી હતી.  આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીની સાથે કેન્દ્રીય કોલસા સચિવ શ્રી  અનીલકુમાર જૈન, કેન્દ્રીય ખાણ સચિવ શ્રી સુશીલકુમાર, કોલ ઈન્ડિયાના ચેરમેન શ્રી પ્રમોદ અગ્રવાલ,  SSCL ના ચેરમેન શ્રી એન. શ્રીધર, NLC ના ચેરમેન શ્રી રાકેશકુમાર, કોલ ઈન્ડિયાની આનુસંગિક  કંપનીઓના ચેરમેન-મેનેજીંગ ડિરેકટરશ્રીઓ તેમજ કેન્દ્રીય  કોલસા મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ પ્રોટોકોલના નાયબ કલેક્ટરશ્રી બી.એસ.અસારી પણ આ મુલાકાતમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.