Western Times News

Gujarati News

ટ્રમ્પે ‘ફ્રિડમ શીલ્ડ’ માટે દ.કોરિયામાં સૈન્ય મોકલતાં ટેન્શન વધ્યું

વાશિગ્ટન, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કોરિયન દ્વીપકલ્પ પર અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ફરી તણાવ વધી શકે છે. યુનાઈટેડ સ્ટેટ્‌સ અને દક્ષિણ કોરિયાએ સોમવારથી મોટા પાયે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ફ્રીડમ શીલ્ડ’ શરૂ કર્યાે છે. જેમાં હજારો સૈનિકો ભાગ લેશે. આ યુદ્ધાભ્યાસ આજથી શરૂ થઈને ૧૯ માર્ચ સુધી ચાલશે.

દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર, આ અભ્યાસમાં દક્ષિણ કોરિયાના અંદાજે ૧૮,૦૦૦ સૈનિકો સામેલ થશે. જોકે, યુએસ ફોર્સિસ કોરિયા એ અમેરિકન સૈનિકોની ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી.આ યુદ્ધાભ્યાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દક્ષિણ કોરિયન મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે વોશિંગ્ટન દક્ષિણ કોરિયાથી કેટલાક સૈન્ય સંસાધનો હટાવીને ઈરાન સામેના સંઘર્ષમાં ઉપયોગ કરી રહ્યું છે.

યુએસ સૈન્યએ સુરક્ષા કારણોસર સૈન્ય સંપત્તિઓની ગતિવિધિ પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યાે છે. દક્ષિણ કોરિયાના અધિકારીઓએ પણ પેટ્રિયોટ એન્ટી-મિસાઈલ સિસ્ટમ ઇઝરાયલ કે મિડલ ઈસ્ટના અન્ય ભાગોમાં મોકલવાના અહેવાલો પર મૌન સેવ્યું છે, પરંતુ ખાતરી આપી છે કે તેનાથી સંયુક્ત સંરક્ષણ વ્યૂહરચના પર કોઈ અસર નહીં પડે.ઉત્તર કોરિયા હંમેશા ‘ફ્રીડમ શીલ્ડ’ જેવા અભ્યાસોનો વિરોધ કરતું આવ્યું છે અને તેને આક્રમણના પૂર્વાભ્યાસ તરીકે જુએ છે.

ગયા મહિને પ્યોંગયાંગમાં એક સંમેલન દરમિયાન કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા પ્રત્યે કડક વલણ દાખવ્યું હતું. જોકે વોશિંગ્ટન સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખ્યા છે.

તેમની માંગ છે કે, અમેરિકા પરમાણુ નિશસ્ત્રીકરણની પૂર્વશરત પડતી મૂકે.૨૦૧૯માં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચેની શિખર સંમેલન નિષ્ફળ ગયા બાદ ઉત્તર કોરિયાએ તમામ સાર્થક વાતચીત બંધ કરી દીધી છે. કિમ જોંગ ઉને રશિયા સાથેના સૈન્ય સંબંધો મજબૂત કર્યા છે અને યુક્રેન યુદ્ધમાં રશિયાને હથિયારો અને સૈનિકોની મદદ પણ મોકલી રહ્યા છે.‘ફ્રીડમ શીલ્ડ’ વર્ષમાં બે વાર યોજાતા મુખ્ય અભ્યાસોમાંનો એક છે (બીજો ઓગસ્ટમાં ‘ઉલચી ફ્રીડમ શીલ્ડ’ તરીકે યોજાય છે).

આ વખતે ‘વોરિયર શીલ્ડ’ હેઠળ ૨૨ ફિલ્ડ અભ્યાસ થશે, જે ગયા વર્ષના ૫૧ કરતા ઓછા છે. એવી અટકળો પણ છે કે સહયોગી દેશો ઉત્તર કોરિયા સાથે વાતચીત માટે અનુકૂળ વાતાવરણ બનાવવાના હેતુથી આ ફેરફાર કરી રહ્યા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે પણ રાજદ્વારી ઈચ્છા વ્યક્ત કરી છે અને એવી આશા સેવાઈ રહી છે કે માર્ચના અંતમાં કે એપ્રિલમાં ટ્રમ્પની ચીન મુલાકાતથી પ્યોંગયાંગ સાથે વાતચીતનો નવો માર્ગ ખુલી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.