મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા સંસદમાં નોટિસ, ૧૯૩ સાંસદો એકસાથે
નવી દિલ્હી, ભારતના ઇતિહાસમાં એક અનોખી ઘટના સામે આવી છે. સ્પીકર બાદ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે વિપક્ષે મહાભિયોગ લાવ્યો છે. ૧૯૩ વિપક્ષી સાંસદોએ નોટિસ પર સહી કરી છે. સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી.
સૂત્રો અનુસાર, લોકસભાના ૧૩૦ અને રાજ્યસભાના ૬૩ સભ્યોએ આ નોટિસ પર સહી કરી છે. શક્્યતા છે કે આ નોટિસ આજે એટલે કે શુક્રવારે સંસદના કોઈ એક ગૃહમાં રજૂ થઈ શકે છે, પણ હજુ સ્પષ્ટ નથી કે કયા ગૃહમાં રજૂ થશે. વિપક્ષના એક નેતાએ જણાવ્યું કે સાંસદોએ નોટિસ અંગે ખૂબ ઉત્સાહ બતાવ્યો અને જરૂરી સંખ્યા પૂરી થયા પછી પણ ગુરુવારે ઘણા સાંસદોએ સહી કરી હતી.
નિયમો અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે લોકસભાના ઓછામાં ઓછા ૧૦૦ અને રાજ્યસભાના ૫૦ સાંસદોની સહી જરૂરી છે. એક અન્ય સૂત્ર મુજબ, આ નોટિસ પર વિપક્ષી ગઠબંધન ઈન્ડીના તમામ પક્ષોના સાંસદોએ સહી કરી છે. આમ આદમી પાર્ટી હવે ભલે આ ગઠબંધનનો સત્તાવાર ભાગ નથી, તેમ છતાં પણ તેમના સાંસદોએ નોટિસ પર સહી કરી છે. આ પહેલીવાર છે જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે આવી નોટિસ આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નોટિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ૭ આરોપ મૂકવામાં આવ્યા છે, જેમાં ત્રણ મુખ્ય આરોપ- પદ પર રહીને પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ વર્તન, ચૂંટણીમાં થયેલી છેતરપિંડીની તપાસમાં જાણીજોઈને અવરોધ ઊભો કરવો અને મોટા પાયે મતદારોને મતાધિકારથી વંચિત રાખવા.
આ સિવાય વિપક્ષી પક્ષોએ અનેક વખત મુખ્ય ચૂંટણી કમિશનર પર સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની મદદ કરવાનો આરોપ મૂક્્યો છે, ખાસ કરીને મતદાર યાદીની વિશેષ ચર્ચા એસઆઈઆર પ્રક્રિયાઅંગે છે. તેમનો આરોપ છે કે આ પ્રક્રિયા કેન્દ્રની સત્તાવાર પાર્ટીને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી રહી છે.
