Western Times News

Gujarati News

કરોડોની કિંમત ધરાવતી વિવિધ બ્રાન્ડની ડુપ્લિકેટ ઘડિયાળ વેચતો વેપારી ઝડપાયો

અમદાવાદ, શહેરના સોલા વિસ્તારમાં એક વેપારી એડમર પિઝટ, કેસીઓ કંપનીની એડીફીશ-જી-શોક મોડલ અને બલ્ગરી કંપનીની ડુપ્લિકેટ ઘડિયાળો વેચતો હોવાની એક કંપનીને માહિતી મળી હતી.

જે કંપનીના ઓથોરાઇઝ્ડ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની ટીમે આ વ્યક્તિને સાથે રાખીને વેપારીના ત્યાં રેડ પાડી હતી. રેડ દરમિયાન વેપારી કરોડોની કિંમત ધરાવતી વિવિધ બ્રાન્ડની ડુપ્લિકેટ ઘડિયાળ વેચતો હોવાનું સામે આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

પોલીસે આરોપી પાસેથી વિવિધ કંપનીની ૧૩૨ ડુપ્લિકેટ ઘડિયાળો કબજે કરી તપાસ હાથ ધરી છે. સોલા વંદેમાતરમ રોડ પર આવેલા ક્વીક સ્ટોરમાં કરોડોની કિંમત ધરાવતી વિવિધ બ્રાન્ડની ડુપ્લિકેટ ઘડિયાળ વેચાતી હતી. આ પ્રકારની માહિતી એક કંપનીના અધિકારીને મળતા તેમણે તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન હકીકત સામે આવતા પોલીસને આ મામલે જાણ કરી હતી. જે બાદ પોલીસે કંપનીના વ્યક્તિને સાથે રાખીને આ દુકાનમાં રેડ પાડી હતી.

રેડ દરમિયાન ક્વીક સ્ટોર નામની દુકાનમાંથી વેપારી મૌલિક અશ્વિનભાઇ પારેખ (રહે. ઋતુરાજ સોસા., ચાંદલોડિયા)પાસેથી એડમર પિઝટ, કેસીઓ કંપનીની એડીફીશ અને જી-શોક મોડલની તથા બલ્ગરી કંપનીની વિવિધ ડુપ્લિકેટ ઘડિયાળો મળી આવી હતી. પોલીસે વેપારી મૌલિક પારેખની દુકાનમાંથી એડમર પિઝટ કંપનીની ૨૦, કેસીઓ કંપનીની એડીફીશ તથા જી-શોક મોડલની ૧૦૨, બલ્ગરી કંપનીની ૧૦ મળીને કુલ ૧૩૨ ડુપ્લિકેટ ઘડિયાળ કબજે લઇને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે એડમર પિઝટ કંપનીની ઘડિયાળ ૧૫ લાખથી એક કરોડની કિંમતમાં મળે છે. જ્યારે કેસીઓ કંપનીની એડીફીશ મોડલની ૨૫ હજારની તથા જી-શોક મોડલની ૭ હજારથી ૫૦ હજાર કિંમતની ઘડિયાળ મળે છે. જ્યારે બલ્ગરી કંપનીની ઘડિયાળ ૪ લાખથી ૭૦ લાખની કિંમતમાં મળે છે. વેપારી મૌલિક આ તમામ ડુપ્લિકેટ ઘડિયાળનો જથ્થો મુંબઇથી લાવ્યો હોવાથી પોલીસે તે બાબતે તપાસ શરૂ કરી છે. વેપારી આ ડુપ્લિકેટ ઘડિયાળ ૫૦૦થી માંડીને બે-ત્રણ હજારમાં વેચતો હોવાનું સામે આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.