Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની ‘પ્લાસ્ટિક મુક્ત શહેર’ ઝુંબેશની હાઇકોર્ટે સરાહના કરી

અન્ય મહાનગરપાલિકાઓને અમદાવાદનું મોડલ અપનાવવા આદેશ

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરને “પ્રતિબંધિત પ્લાસ્ટિક ફ્રી સિટી” બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન કામગીરીની નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે. તાજેતરમાં એક આદેશમાં, નામદારે હાઈકોર્ટે AMC ની કામગીરીની પ્રશંસા કરી છે અને રાજ્યની અન્ય મોટી મહાનગરપાલિકાઓને પણ આ જ દિશામાં કાર્ય કરવા સૂચન કર્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટ સમક્ષ ઘન કચરાના વ્યવસ્થાપન, જપ્ત કરાયેલ પ્લાસ્ટિક વેસ્ટ, પ્લાસ્ટિક મટિરિયલ્સનું અપસાયકલિંગ, તેમજ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ અને વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ્સમાં તેના ઉપયોગ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે-સાથે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ એક્સટેન્ડેડ પ્રોડયુસર રિસ્પોન્સિબિલિટી (EPR) ના પાલન અને રજિસ્ટર્ડ રિસાયકલર્સ અંગેની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી.

જે અનુસાર નામદાર હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોપ્રોરેશન દ્વારા શહેરની પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના ચુસ્ત પાલન અને કલેક્શનની કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો અને નામદાર હાઇકોર્ટે સુરત, રાજકોટ અને વડોદરા જેવી અન્ય મોટી મહાનગરપાલિકાઓએ પણ તેમના કાર્યક્ષેત્રમાં પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અનુકરણ કરી પ્રોએક્ટિવ પગલાં લેવા આદેશ કર્યો છે.

શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે AMC દ્વારા સઘન ચેકિંગ અને દંડનીય કાર્યવાહી અમલમાં છે. જેમાં ૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ તેમજ 50 GSM થી ઓછી જાડાઈની નોન-વુવન કેરી બેગના વપરાશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ નિયમોના ચુસ્ત અમલ માટે ૦૭ ઝોનમાં તમામ ૪૮ વોર્ડ કક્ષાએ સ્વચ્છતા સ્કવોડ દ્વારા દૈનિક ધોરણે ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

જે મુજબ જોગવાઇઓના ભંગ બદલ છેલ્લાં 01 વર્ષમાં આજ દિન સુધી 1,48,413 જેટલા ઇસમો /એકમોને નોટિસ આપી રૂપીયા 4.29 કરોડનો દંડ વસૂલ કરવામાં આવેલ છે અને 20,926 જેટલા એકમો સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત 9626 કિ.ગ્રા. જેટલા પ્રતિબંધીત પ્લાસ્ટીકને જપ્ત કરી તેનો નાશ કરવામાં આવેલ છે.

ખાણી-પીણી બજારો, કરીયાણાની દુકાનો, બજારો, વિવિધ ફેરી ધંધા કરતાં ફેરીયાઓ તેમજ શાકભાજી અને ફૂટ માર્કેટ ઉપર વિશેષ ધ્યાન આપી અઠવાડીયામાં બે વાર સઘન ઝુંબેશ હાથ ધરી નિયમ ભંગ કરતા ઝડપાવા પર પ્રથમ વખત રૂ. ૧,૦૦૦/- નો દંડ, બીજી વખત ભંગ કરવા બદલ રૂ. ૩,૦૦૦/- નો દંડ અને ત્રીજી કે તેથી વધુ વખત ભંગ કરવા બદલ રૂ. ૫,૦૦૦/- નો દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. વધુમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનું ઉત્પાદન કરનાર કે મોટી માત્રામાં વેચાણ કરતાં હશે તેવા એકમોને સીલ કરવાનાં પગલાં પણ લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.