Western Times News

Gujarati News

હવે ૧૪.૨ કિલોના બદલે ૧૦ કિલોનો જ ગેસ સિલિન્ડર મળશે

નવી દિલ્હી, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભારત સહિત વિશ્વના અનેક દેશો પર જોવા મળી રહી છે. એલપીજીની અછતના અહેવાલોની વચ્ચે આગામી દિવસોમાં ૧૪.૨ કિલોગ્રામ ગેસના ઘરેલુ ગેસ સિલિન્ડરમાં લગભગ ૧૦ કિલોગ્રામ જેટલો ગેસ મળી શકે છે.

દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઈરાન યુદ્ધને કારણે ખોરવાયેલી ગેસ વ્યવસ્થા અને એલપીજીની અછતની સ્થિતિ વચ્ચે આવી વિચારણા કરી રહી હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતની એલપીજી સપ્લાય ચેઈન પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

આ સંકટને પહોંચી વળવા માટે ગેસ કંપનીઓ હવે ૧૪.૨ કિલોના સ્ટાન્ડર્ડ સિલિન્ડરમાં માત્ર ૧૦ કિલો ગેસ ભરીને સપ્લાય કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મર્યાદિત સ્ટોકને વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ પગલું જરૂરી બની શકે છે. આ નવા સિલિન્ડરો પર ખાસ સ્ટીકરો લગાવાશે અને ગ્રાહકોને ગેસના જથ્થા મુજબ કિંમતમાં રાહત આપવામાં આવશે.

જોકે, આ ફેરફાર માટે બોટલિંગ પ્લાન્ટ્‌સમાં ટેકનિકલ ફેરફારો અને નિયમનકારી મંજૂરીઓ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.હાલમાં ભારતની એલપીજીની ઉપલબ્ધતા અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી છે. ભારત તેની જરૂરિયાતનો ૬૦% ગેસ આયાત કરે છે, જેમાંથી ૯૦% પુરવઠો ખાડી દેશોમાંથી આવે છે. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા તણાવને કારણે છેલ્લા એક સપ્તાહમાં માત્ર બે જહાજો ભારત પહોંચી શક્યા છે, જે દેશની માત્ર એક દિવસની વપરાશ જેટલી જ ક્ષમતા ધરાવે છે.

હાલમાં ભારતના છ એલપીજી ટેન્કરો પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે, જેના કારણે આગામી દિવસોમાં સપ્લાય બાબતે અનિશ્ચિતતા વધુ ઘેરી બની છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યું હતું કે હાલમાં ગ્રાહકોને નિયમિત સપ્લાય આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોમર્શિયલ સેક્ટરની સપ્લાય જે અગાઉ રોકી દેવામાં આવી હતી, તેને હવે યુદ્ધ પૂર્વેના સ્તરના ૪૦ ટકા સુધી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જેનાથી ડોમેસ્ટિક સપ્લાય પર દબાણ વધ્યું છે.

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો હોર્મુઝની ખાડી શિપિંગ માટે બંધ રહેશે, તો ઈરાનના ઉર્જા મથકોને નિશાન બનાવવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.