Western Times News

Gujarati News

બે ભારતીય LPG ગેસ ટેન્કરે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું

File Photo

નવી દિલ્હી, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ ભારતીય ધ્વજ ધરાવતા બે એલપીજી ટેન્કર પાઇન ગેસ અને જગ વસંતએ ફારસની ખાડીથી ભારત આવવા મુસાફરી શરૂ કરી દીધી છે, તેઓ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી દીધું છે.

સોમવારે બપોરે આ બંને જહાજો ઈરાનના લારક અને કેશ્મ ટાપુઓ વચ્ચે જોવા મળ્યા હતા, જે બાદ તેઓ સંભવતઃ ઈરાની અધિકારીઓને પોતાની ઓળખ સ્પષ્ટ કરાવી હતી. બાદમાં બંને જહાજોને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની પરમીશન મળતા હવે તે ભારતની વાટે નીકળી ચૂક્્યા છે.

આ બંને જહાજો એ ૨૨ ભારતીય જહાજોમાં સામેલ હતા, જે પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે લગભગ બંધ થઈ ચૂકેલી હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા હતા. આ જળમાર્ગ ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલો છે અને ખાડી દેશોમાંથી વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ પુરવઠા માટેનો મુખ્ય માર્ગ છે.આ પહેલા પણ ભારતના કેટલાક જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળી ચૂક્્યા છે.

એલપીજી ટેન્કર એમટી શિવાલિક ૧૬ માર્ચે ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યું હતું, જ્યારે એમટી નંદા દેવી ૧૭ માર્ચે કંડલા બંદરે પહોંચ્યું હતું. બંને જહાજો મળીને આશરે ૯૨,૭૧૨ ટન એલપીજી લાવ્યા હતા, જે દેશના લગભગ એક દિવસના ઘરેલું ગેસ વપરાશ બરાબર છે. આ જ ક્રમમાં જગ લાડકી નામનું ભારતીય ઓઈલ ટેન્કર, જે યુએઈથી ૮૦,૮૮૬ ટન ક્રૂડ ઓઈલ લઈને આવી રહ્યું હતું, તે ૧૮ માર્ચે મુંદ્રા પહોંચી ગયું હતું.

જ્યારે જગ પ્રકાશ નામનું ટેન્કર ઓમાનથી પેટ્રોલ લઈને આફ્રિકા જવા માટે સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ચૂક્્યું છે અને તાન્ઝાનિયા તરફ આગળ વધી રહ્યું છે.યુદ્ધની શરૂઆતમાં કુલ ૨૮ ભારતીય જહાજો આ વિસ્તારમાં હાજર હતા, જેમાંથી ૨૪ હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં અને ચાર પૂર્વી ભાગમાં હતા.

ગત દિવસોમાં બંને તરફથી બે બે જહાજો સુરક્ષિત રીતે નીકળી ગયા છે, પરંતુ હજુ પણ ૨૪માંથી ૨૨ જહાજો પશ્ચિમ ભાગમાં ફસાયેલા છે, જેના પર ૬૧૧ નાવિકો સવાર છે, જ્યારે બે જહાજો પૂર્વી ભાગમાં છે. ફસાયેલા જહાજોમાં વિવિધ પ્રકારના જહાજોનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.