Western Times News

Gujarati News

20 લાખની નકલી નોટો બજારમાં ફરતી કરનાર ભાવેશ ગજેરાની ધરપકડ

બોગસ ચલણી નોટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સુરતના ભાવેશ ગજેરાની ધરપકડ કરી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચકચારી બનેલા કરોડોની નકલી નોટોના રેકેટમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. યોગગુરુ પ્રદીપની ધરપકડ બાદ આ નેટવર્કના મહત્વના કડી સમાન સુરતના ભાવેશ ગજેરાની પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે નકલી નોટોનું નેટવર્ક ગુજરાતના બે મોટા શહેરોમાં કેટલું ઊંડું ઉતરેલું છે તેનો પર્દાફાશ થયો છે.

તપાસમાં સામે આવ્યું છે કે, ભાવેશ ગજેરાએ સુરત અને અમદાવાદમાં નકલી નોટો વટાવવા માટે સ્થાનિક એજન્ટોની મદદથી આખું ઝાળ બિછાવ્યું હતું. ભાવેશ મુખ્યત્વે અમદાવાદમાં રહીને આ કાળા કારોબારની તમામ નાણાકીય લેવડદેવડ સંભાળતો હતો. આરોપી અને તેના સાગરીતોએ મળીને અત્યાર સુધીમાં અંદાજે ૨૦ લાખ જેટલી નકલી નોટો બજારમાં ફરતી કરી દીધી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે.

ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ ટોળકી અત્યંત શાતિર રીતે અસલી નોટો જેવી જ દેખાતી નકલી નોટો છાપીને તેને એજન્ટો મારફતે નાના વેપારીઓ અને ભીડભાડ વાળા વિસ્તારોમાં વટાવતી હતી. ભાવેશ ગજેરાની પૂછપરછ દરમિયાન આ કેસમાં સુરત અને અમદાવાદના અન્ય કેટલાક મોટા માથાઓના નામ સામે આવે તેવી પ્રબળ શક્યતા છે.

આગામી દિવસોમાં પોલીસ આ નેટવર્કને જડમૂળથી ઉખાડવા માટે વધુ ઓપરેશન હાથ ધરે તેવી સંભાવના છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ છે. તેમજ આ રેકેટમાં આગામી દિવસમાં અન્ય આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.